Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

માતાના મઢમાં ૧૦ વેપારી પોઝિટિવ : નવરાત્રિમાં મંદિર બંધ હોઇ, હમણાથી ઉમટતી ભીડથી ચિંતા

કોરોનાની પૂરપાટ ગતિ : કચ્છમાં ૨૪, ભાવનગર ૪૩, મોરબીમાં ૨૪ કેસ : લોકોમાં સાવચેતી જરૂરી

રાજકોટ તા. ૧ : સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાની ગતિ પૂરપાટ રહી છે ત્યારે માતાના મઢમાં ૧૦ વેપારી પોઝીટીવ બનતા ફફડાટ વ્યાપી ગયો છે. જોકે કચ્છમાં વધુ ૨૪ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર-૪૩ અને મોરબીમાં ૨૪ કેસ થયા છે.

કોટડા ૨૭, દયાપર ૮,  નખત્રાણા ૨, માતાના મઢના  ૧૦ પૈકી અનેક કેસ ચોપડે નથી

કચ્છમાં કોરોના પુરપાટ ગતિએ પ્રસરી રહ્યો છે. માતાના મઢમાં આરોગ્ય વિભાગે કરેલા રેપિડ ટેસ્ટમાં ૧૦ વ્યાપારીઓ પોઝિટિવ આવ્યા છે. નવરાત્રિ દરમ્યાન મંદિર બંધ હોઈ હમણાં લોકોની ભીડ ઉમટી રહી હોઈ માતાના મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ ગામ લોકોની અને દર્શનાર્થીઓની સલામતી અંગે ચિંતાની લાગણી વ્યકત કરી છે. યાત્રાધામ માતાના મઢમાં લોકો જો આજ રીતે આવશે તો સંક્રમણ વધશે એવો ભય સરપંચે વ્યકત કર્યો છે.

જોકે, સરકારી ચોપડે આવા અનેક પોઝિટિવ કેસ ચોપડે ચડતા નથી. શહેરી વિસ્તારોના અમુક કેસ હજીયે માંડ ચોપડે ચડે છે, પણ કચ્છના નાના તાલુકા મથકો અને ગ્રામીણ વિસ્તારોના અનેક કેસ ચોપડે ચડતા નથી. હમણાં જ આરોગ્યતંત્રની રેપિડ ટેસ્ટમાં દયાપર (તા.લખપત)ના ૮, કોટડા (તા.ભુજ), નખત્રાણાના ૨ કેસ પણ સરકારી ચોપડે ચડ્યા ન હોવાની ચર્ચા છે.

દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીની યાદી પ્રમાણે કચ્છમાં ૨૪ નવા કેસ સાથે કુલ કેસ ૨૧૩૨ થયા છે. સાજા થયેલાઓની સંખ્યા ૧૬૪૦ છે. જયારે સારવાર હેઠળ ૩૮૩ દર્દીઓ છે. જોકે, સૌથી વધુ ગુંચવણ અને ચર્ચા મોતની સંખ્યા બાબતે છે. સરકારી ચોપડે કોરોનાથી થયેલ મોત ૬૫ છે. જયારે કુલ દર્દીઓની સંખ્યા માંથી સાજા થયેલા કેસ અને એકિટવ કેસની સંખ્યા બાદ કરીએ તો ૧૦૯ દર્દીઓની સંખ્યા ઘટે છે. જે મોતનો બિન સત્તાવાર આંક હોવાની આશંકા છે.

ભાવનગરમાં ૩૯૯ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર : જિલ્લામા વધુ ૪૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૧૮૪ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામ ખાતે ૧, મહુવા ખાતે ૫, કરમદીયા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજા ખાતે ૩, તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૨, રતનપર(ગા) ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના રાજપરા(ભાલ) ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૬ અને તાલુકાઓના ૭ એમ કુલ ૩૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૧૮૪ કેસ પૈકી હાલ ૩૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૭૧૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૬ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી જિલ્લામાં  ૨૫ દર્દીઓ ડિસ્ચાર્જ

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૪ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૫ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે.

મોરબી જીલ્લામાં બુધવારે આવેલા નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૦ કેસોમાં ૧૦ ગ્રામ્ય અને ૧૦ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં અને ટંકારાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૪ કેસો નોંધાયા છે તો વધુ ૨૫ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા ૨૪ કેસો સાથે કુલ કેસનો આંક ૧૭૧૩ થયો છે જેમાં ૨૩૭ એકટીવ કેસ છે જયારે ૧૩૮૭ દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે.

(11:01 am IST)