Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પિતા સાથે ચડભડ થતાં માતા માવતરે જતી રહી ને ૧૭ વર્ષનો દિકરો ઝેર પી 'લાંબા ગામતરે' ગયો

કુવાડવાના જામગઢમાં બે દિવસ પહેલા ઝેર પી લેનારા સંજય ધાડવીનું મોતઃપરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧: કુવાડવાના જામગઢમાં માતા-પિતા વચ્ચે ઘરકામ બાબતે સામાન્ય ચડભડ થતાં માતા રિસાઇને પોતાના માવતરે જતી રહેતાં ૧૭ વર્ષના દિકરાને માઠુ લાગી જતાં ઝેર પી લીધું હતું. તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જામગઢ રહેતો સંજય નારણભાઇ ધાડવી (કોળી) (ઉ.વ.૧૭) તા. ૨૮ના રાતે નવેક વાગ્યા આસપાસ ઝેરી દવા પી જતાં કુવાડવા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન ગત સાંજે મોત નિપજતાં હોસ્પિટલના ડો. ડાંગરીયાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

હેડકોન્સ. મહાવીરસિંહ ઝાલા અને હેમતભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સંજય બે ભાઇમાં નાનો હતો અને મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. ત્રણ દિવસ પહેલા સંજયના માતા અને પિતા વચ્ચે ઘરકામ બાબતે ચડભડ થતાં તેની માતા ચોટીલા માવતરે રિસામણે જતી રહી હતી. આ કારણે સંજયને માઠુ લાગી જતાં તે ઝેરી દવા પી ગયો હતો અને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

(11:12 am IST)