Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

દ્વારકામાં યુવતિનું ફેક ઇન્સટાગ્રામ આઇડી બનાવી બિભત્સ કોમેન્ટ કરતો ગેરેજ સંચાલક યુવક

યુવતિએ સબંધ તોડી નાખતા બદનામ કરવાના ઇરાદે આઇડી બનાવી વાયરલ કરતા બનાવ સામે આવ્યો

ખંભાળીયા, તા. ૧: દ્વારકામાં યુવતિએ સબંધ તોડી નાખતા બદનામ કરવા ઇરાદે યુવાને ઇન્સટાગ્રામ પર યુવતિનું ફેક આઇડી બનાવી તેના ફોટા અપલોડ કરી તેમાં બિભિત્સ કોમેન્ટ કરતા આ બાબતની જાણ યુવતિ અને તેના પરિવારજનોને થતાં તેણીએ દ્વારકા જિલ્લા સાયબર સેલમાં ફરીયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બનાવ અંગે શખ્સ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે દ્વારકામાં રહેતી આહીર પરિવારની યુવતિએ દ્વારકા જિલ્લા સાયબર સેલમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, ગત તા. ર૯-૭ના પડોશમાં રહેતા સાહિલ બેગે મને હીર કરંગીયા નામનું ઇન્સટાગ્રામ પર મારા ફોટા સાથેનું આઇડી બતાવ્યું હતું જે આઇડી જોતા જ તે મારૃં ન હોવાનું જણાવી સગા સબંધીમાં પણ તપાસ કરતા આ આઇડી કોઇએ બનાવેલું ન હોવાનું જાણવા મળ્યું હતું એ પછી આઇડીમાં મારા અવાર-નવાર ફોટા અપલોડ થતાં હતાં અને મારા ફ્રેન્ડ સર્કલ તથા સગાઓ તેમાં કોમેન્ટ કરતા હતાં. આઇડી અંગે સાયબર સેલમાં તપાસ માટે અરજી કરી હતી બાદમાં તપાસ કરતા બાજુમાં રહેતા સાહીલ બેગ દ્વારા ધોરણ ૧રમાં અભ્યાસ કરતી ત્યારે નીતિન કરશન સુમણીયા સાથે ઓળખાણ કરાવી હતી અને નોટબુક લેતી દેતી બાબતે તેની સાથે વાતચીત થતી હતી.

આ દરમિયાન નીતિન મારી નજીક આવવાનું કરતા તેનું ચારિત્ર બરાબર ન લાગવાથી મેં તેમની સાથે સબંધ તોડી નાખતા તેમને આ આઇડી બનાવી હોવાની શંકા પોલીસને આપેલી અરજીમાં વ્યકત કરી હતી. જે અંગે સાઇબર સેલે તપાસ કરતાં આ આઇડી દ્વારકામાં જલારામ સોસાયટીમાં આહિર સમાજની વાડી સામે રહેતો અને ગેરેજ ધરાવતો નીતિન કરશન સુમણીયા (ઉ.વ.ર૩) નામના યુવાને જ બનાવી તેમાં બદનામ કરવાના ઇરાદે બિભત્સ કોમેન્ટ કરી વાયરલ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા શખ્સ સામે દ્વારકા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:43 pm IST)