Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કેશોદમાં બંધ કરેલ સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ચાલુ કરવા માંગ ઉઠી

કેશોદ,તા. ૧: શરદચોક વિસ્તારમાં નગરપાલિકાનાં બીલ્ડીગમાં સરકારી આર્યુવેદિક હોસ્પિટલ વર્ષોથી ચાલી રહી હતી. જે ડોકટર કર્મચારીઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત્। થતાં અચાનકજ બંધ કરી દેવામાં આવી હતી.

વર્તમાન સમયમાં કેશોદ તાલુકા અને શહેરી વિસ્તારનાં રહીશો આર્યુવેદિક ઉપચાર કરવા ઈચ્છે તો માત્ર એકજ અગતરાય ગામે સરકારી આર્યુવેદિક હોસ્પિટલ આવેલી છે. જનસંખ્યા ની દ્રષ્ટીએ કેશોદ શહેરમાં સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ઉપલબ્ધ કરાવવામાં આવે તો શહેરીજનોને અગતરાય આવવા જવા નાં ધક્કા અટકી જાય તેમજ સ્થાનિક કક્ષાએ આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો કેશોદ શહેર-તાલુકા ઉપરાંત આસપાસના અન્ય તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના રહીશો પણ આર્યુવેદિક ઉપચાર કરાવી શકે તેમ છે. હાલમાં કાર્યરત સરકારી આર્યુવેદિક હોસ્પિટલ અગતરાયમાં રોજીંદા પાંત્રીસેક દર્દીઓ સારવાર મેળવે છે.જેમાં અડધાથી વધારે લોકો કેશોદ શહેરના અને તાલુકાના હોય છે.

કેશોદ શહેરમાં એક સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત છે જેમાં હજારોની સંખ્યામાં લોકો સારવાર મેળવે છે ત્યારે રાજય સરકાર દ્વારા કેશોદ શહેરમાં બંધ પડેલું સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ફરીથી શરૂ કરવામાં આવશે તો આવનારાં દિવસોમાં કેશોદ શહેરમાં વસતાં શહેરીજનો ને આર્યુવેદિક ઉપચાર ની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકશે. ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી આર્યુવેદિક ઉપચાર પધ્ધતિ હેઠળની આર્યુવેદિક હોસ્પિટલ કેશોદ શહેરમાં શરૂ કરવામાં ચુંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો સરકારમાં રજૂઆત કરી ફરીથી બંધ થયેલી આર્યુવેદિક હોસ્પિટલ શરૂ કરાવવામાં કેટલાં અંશે સફળ થાય છે. એ તો આવનારો સમયજ કહેશે. હાલમાં કોરોના મહામારી કાબુમાં લેવા માટે આર્યુવેદિક ઉપચાર જ અસરકારક રહ્યો છે ત્યારે કેશોદ શહેર-તાલુકા માં માત્ર એકજ અગતરાય ગામે સરકારી આર્યુવેદિક હોસ્પિટલ આવેલી હોય ત્યારે રાજય સરકાર દ્વારા કેશોદ શહેર-તાલુકા માં રહિશો સુધી આર્યુવેદિક ઉકાળા કે રોગ પ્રતિકારક શકિત વધારવા માટેની જડીબુટ્ટીઓ પહોંચતી કરવામાં અડચણો આવેલી હતી. ત્યારે કેશોદ શહેરમાં વધું એક સરકારી આર્યુવેદિક હોસ્પિટલ શરૂ કરવામાં આવશે તો ઘણી નાની મોટી અડચણો દૂર થશે અને વધુને વધુ લોકો આર્યુવેદિક ઉપચારનો લાભ મેળવીને તંદુરસ્તી અને સ્વસ્થતા જાળવી શકશે.

(12:49 pm IST)