Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જામનગર બાલાચડી સૈનિક સ્કુલના ૧ર વિદ્યાર્થીઓને નેશનલ ડિફેન્સ એકેડેમીના અંતિમ મેરીટ લીસ્ટમાં સ્થાન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૦ : જામનગર ખાતે  સૈનિક સ્કૂલ બાલાચડીના બાર વિદ્યાર્થીઓનો પૂણેના ખડકવસ્લામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના અંતિમ મેરિટ લિસ્ટમાં સમાવેશ થતાં સ્કુલનું ગૌરવ વધ્યું છે.

 બાલાચડી સૈનિક સ્કુલના કેડેટ આદિત્ય કુમાર રવિ, કેડેટ આકાશ રંજન, કેડેટ સુધાંશુ કુમાર, કેડેટ અમન કુમાર, કેડેટ શુભમ મયંકસિંહ, કેડેટ વિશાલ પરમાર, કેડેટ દેવ સિંદ્યાનિયા, કેડેટ નિશાંત કુમાર, કેડેટ આદિત્ય કુમાર, કેડેટ ગોપાલ ભોર્ખાતરિયા, કેડેટ શુભમ કુમાર અને કેડેટ રાજીવ રંજન સ્કૂલના તે ગૌરવશાળી વિદ્યાર્થીઓ છે જેમણે યુપીએસસી એનડીએ લેખિત પરીક્ષા અને એસએસબી સફળતાપૂર્વક પસાર કરી છે અને  એનડીએ ના પરિણામોના મેરિટમાં તેમનું નામ જોવા મળ્યું છે. સૈનિક સ્કૂલ બાલાચડી એનડીએમાં પ્રવેશ માટે કેડેટ્સને તૈયાર કરવાની કામગીરી સાથે સંકળાયેલી છે અને પોતાના પ્રારંભથી અત્યાર સુધી તે સફળતાપૂર્વક સંરક્ષણ સેવાઓમાં ૪૦૦ થી વધારે કેડેટ્સને મોકલી ચૂકી છે.

સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ ગ્રૂપ કેપ્ટન રવિન્દર સિંહે આ કેડેટ્સ અને તેમના પરિવારજનોને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કેડેટ્સને સફળતાની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કેડેટ્સ ચોક્કસપણે સૈનિક સ્કૂલ બાલાચડીના વિદ્યાર્થીઓની સાથે સાથે ગુજરાત રાજયની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને રાષ્ટ્રની સેવા માટે સંરક્ષણ સેવાઓમાં જોડાવવા સખત મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડશે.

આ પ્રસંગે વાઇસ પ્રિન્સિપાલ લેફ્ટનન્ટ કમાન્ડર મનુ અરોરા, વહીવટી અધિકારી સ્કવોડ્રન લીડર મહેશ કુમાર અને સ્કૂલના કર્મચારીઓએ સૈનિક સ્કૂલ બાલાચડીના આ ગૌરવશાળી વિદ્યાર્થીઓને તેમની હૃદયપૂર્ણ શુભકામનાઓ પાઠવી હતી.

(3:51 pm IST)