Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

જામનગર સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી માનસિક અસ્થિર મહિલાનું પરિવાર સાથે મિલન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૪:  સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા માનસિક અસ્થિર મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

ખીજડા મંદિર, ખંભાળિયા ગેટ પાસે એક અજાણી મહિલા આંટા મારતી હોઇ એવી જાણ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનને કરવામાં આવતા, ૧૮૧ હેલ્પ લાઇનની ટીમ સ્થળ પર પહોંચી હતી. તેની સાથે વાત કરતા રહે- નાગપૂર  મહારાષ્ટ્ર છે, તેવું જણાવ્યું હતું. આ મહિલાને આશ્રયની જરૂરિયાત જણાતા ૧૮૧ હેલ્પલાઇનની ટીમ  દ્વારા પીડિતા બહેનને 'સખી' વન સ્ટોપ સેન્ટર, જામનગર ખાતે આશ્રય માટે પહોચાડવામાં આવ્યા. અહીં તેમને આશ્રય તથા યોગ્ય વાતાવરણ પુરૂ પાડવામાં આવ્યું.

બહેનની માનસિક સ્થિતિ સારી ન જણાતા તેમને માનસિક આરોગ્યની હોસ્પીટલમાં સારવાર અપાવવામાં આવી તેમજ પીડિતા બહેનનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તે દરમ્યાન જાણવા મળ્યું કે, બહેન નાગપૂર નજીકનાં એક ગામનાં રહેવાસી હોય, અને ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયેલ છે. આ મહિલા દ્વારા પુરી પાડવામાં આવેલ તેમના પરિવાર અને રહેઠાણની  વિગતોના આધારે યશોધરાનગર પોલીસ સ્ટેશન, નાગપૂરનો સંપર્ક કરાવવામાં આવેલ અને બહેનની બધી હકીકત તેઓને જણાવવામાં આવી હતી.

આ મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમનાં લગ્ન જામનગરનાં હાપા ખાતે રહેતા એક વ્યકિત સાથે થયા હતા બાદમાં છુટાછેડા થઇ ગયા છે, તેમના પતિનો નંબર બહેન પાસે હોવાથી બહેનના પતિને સેન્ટર પર બોલાવવામાં આવ્યા હતા, તેમની પાસેથી જાણવા મળ્યું કે, મહિલા માનસિક રીતે બીમાર હોવાથી તેમના છૂટાછેડા થયે આશરે ૧૦ માસ જેટલો સમય થઇ ગયેલ છે અને બહેન સાથે તેઓને હાલ કોઈ સંબંધ નથી તેમજ તેમની પાસેથી પિડીત મહિલાની મોટી બહેન અને માતાનો મોબાઇલ નંબર મેળવી તેમનો પણ સંપર્ક કરેલ હતો. ત્યારબાદ 'સખી વન સ્ટોપ સેન્ટર'ની ટીમ દ્વારા નાગપૂર પોલીસ સ્ટેશન સાથે સતત સંપર્ક કરવામાં આવેલ. બહેનની માતા સાથે સખી વન સ્ટોપ સેન્ટરનાં કર્મચારી દ્વારા વાત કરવામાં આવેલ તેમજ બહેનની સાથે પણ તેમની માતાની વાત કરાવવામાં આવી હતી.

બહેનના પરિવારની આર્થિક સ્થિતિ જ નબળી હોવાથી અને પરિવારમાં ફકત તેમની માતા અને બહેન હોવાથી કોઈ તેમને લેવા આવી શકે તેમ ન હોઇ અને બહેનની માનસિક સ્થિતિ પણ સારી ન હોવાથી તેમને એકલા મોકલી શકાય તેમ ન હોવાથી 'સખી' વન સ્ટોપ સેન્ટરનાં કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા સમ્પૂર્ણ હકીકતની જાણ જામનગરનાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ચંદ્રેશભાઈ ભાંભીને કરવામાં આવી અને તેમના દ્વારા આ મહિલાને તેના ઘરે પરત મોકલવા માટેની  આગળની પ્રક્રિયા શરુ કરવામાં આવી. આ મહિલાનાં ઘરે પરત જવા માટે રેલ્વેમાં તપાસ કરતા નાગપુર જતી ટ્રેનમાં લાંબુ વેઇટીંગ હોઇ આ સમગ્ર વિગતો 'સખી વન સ્ટોપ સેન્ટર'ના અધ્યક્ષ એવા કલેકટરશ્રી રવિ શંકરને જણાવતા, તેમના દ્વારા બહેનને ઘરે પહોંચાડવા માટે મંજુરી આપવામાં આવી.

આ દરમિયાન રાધાબહેનને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપી અલગ અલગ સુવિધા આપવામાં આવી હતી અને જીવનજરૂરિયાતની વસ્તુ પૂરી પાડવામાં આવી હતી અને સતત કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું હતુ અને બહેનને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને બહેનને ઘર જેવું વાતાવરણ પુરુ પાડવામાં આવ્યું હતુ તેમજ સતત તેમની માતાના સંપર્કમાં રહીને રાધાબેનની વાતચીત પણ કરાવી તેમને પ્રોત્સાહન અને હિંમત આપવામાં આવ્યા.

આ મહિલાને ઘરે સલામત રીતે પહોંચાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રનને પોલીસ એસ્કોર્ટ પુરુ પાડવા માટે વિનંતી કરવામાં આવેલ અને તેમના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. શ્રી આર. બી. ગઢવી  સાથે સંકલન કરી મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાથે જવા માટે આદેશ કરવામાં આવેલ તેમજ ગાંધીનગર(જામનગર) રેલ્વે સ્ટેશનનાં સ્ટેશન માસ્ટર એચ.કે.સિંઘની મદદથી બહેનની ફેસ્ટીવલ ટ્રેનમાં ટીકીટ બુક કરાવી  પીડિતાને 'સખી' વન સ્ટોપ સેન્ટર જામનગરનાં કેન્દ્ર સંચાલક કુ.રંજનબેન રાઠોડ, કોન્સટેબલ ચાંદનીબેન ગાંગડીયા અને ધારાબેન ચોટલીયા સાથે ટ્રેન મારફત તેમના પરિવાર પાસે મોકલવામાં આવ્યા. નાગપૂર પહોંચી ત્યાંની સ્થાનિક પોલીસ સાથે નાગપુર પાસેનાં ગામમાં તેમના ઘરે પહોચાડી પીડિતા બહેનને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું.

કલેકટર તથા પોલીસ અધિક્ષકશ્રીનાં માર્ગદર્શન હેઠળ 'સખી' વન સ્ટોપ સેન્ટરની સમગ્ર ટીમ અને મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં સતત પ્રયત્નથી તથા મહિલા પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ, રેલ્વે પોલીસ,જામનગર રેલ્વે સ્ટાફ,૧૮૧ મહિલા હેલ્પલાઇનનાં સંયુકત પ્રયાસથી મહિલાને તેના પરિવારમાં પુનઃસ્થાપિત કરવામાં આવી.

(9:43 am IST)