Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

શાપર-વેરાવળમાંથી રાજકોટનો રીઢો ગુન્હેગાર દિવ્યેશ ઠુંમર દેશી પિસ્તોલ - કાર્ટીસ સાથે પકડાયો

રૂરલ એસઓજીના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા ટીમે દબોચી લીધો : દુશ્મનાવટના કારણે હથિયાર રાખ્યાની કબૂલાત : અગાઉ હથિયાર - મારામારીના ગુન્હામાં પકડાઇ ચૂકયો છે

તસ્વીરમાં હથિયાર સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એલઓજીનો કાફલો નજરે પડે છે.

રાજકોટ તા. ૪ : શાપર - વેરાવળમાં રાજકોટના રીઢા ગુન્હેગારને દેશી પિસ્તોલ તથા કાર્ટીસ સાથે રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.

જિલ્લામાં ગેરકાયદે હથિયારો શોધી કાઢવા રૂરલ એસપી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ એસઓજીના પી.આઇ. એ.આર.ગોહિલ તથા પી.એસ.આઇ એચ.ડી.હિંગરોજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા પો.કો. વિજયગીરી ગોસ્વામીને મળેલ બાતમીના આધારે રૂરલ એસ.ઓ.જી.ના સ્ટાફે વોચ ગોઠવી અગાઉ હથિયારના તેમજ અન્ય ગુન્હામાં પકડાયેલ રીઢા ગુન્હેગાર દિવ્યેશ ઉર્ફે દિવલો જેરામભાઇ ઠુંમર રે. રામનગર-૨ શેરી નં. ૩ કોઠારીયા ચોકડી રાજકોટ મૂળ ગામ શિવરાજગઢ તા. ગોંડલને શાપર-વેરાવળમાંથી દેશી બનાવટની પિસ્તોલ તથા કાર્ટીસ નંગ-૧ મળી કુલ ૨૦,૧૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી શાપર પોલીસના હવાલે કર્યો હતો.

પકડાયેલ દિવ્યેશ અગાઉ રાજકોટના ભકિતનગરમાં હથિયાર, મારામારી, દારૂના ગુન્હામાં અને અમદાવાદમાં છેતરપીંડીના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. માથાકુટો ચાલતી હોવાથી આ હથિયાર રાખ્યાની કબુલાત આપી છે. આ હથિયાર કયાંથી લીધું ? તે અંગે રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. પરવેઝભાઇ સમા, હેડ કો. અમીતભાઇ કનેરીયા, ડ્રા.પો.કો. સાહિલભાઇ ખોખર તથા દિલીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

(11:32 am IST)