Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ધોરાજીના તૂટેલા રોડ રસ્તાઓ મામલે સતારુઢ સભ્યોનો બળાપો :કોન્ટ્રાકટર તંત્રને ગાંઠતા નથી: અનેક નોટિસો આપી

ગેરંટી પીરીયડ વાળા રસ્તાઓ રિપેર કરવામાં એજન્સી નિરસ :ઈમ્તિયાઝ ભાઈ પોઠિયાવાલા (ઉપ પ્રમુખ નગરપાલિકા):પાલિકા હદના રોડ રસ્તા તૂટી જતા અનેક ફરિયાદો કરી છે : દિનેશ વોરા (સુધરાઇ સભ્ય)

ધોરાજી :ધોરાજી શહેરમાં ત્રણ વર્ષ અગાઉ બનેલા રોડ રસ્તાઓ તૂટી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે આ મામલે ધોરાજી નગરપાલિકા ના સત્તાપક્ષના ચૂંટાયેલા સદસ્ય દિનેશ વોરા એ મીડિયા સમક્ષ જણાવેલ કે ત્રણ વર્ષ અગાઉ બનેલા રોડ-રસ્તાઓ માત્ર એક વર્ષમાં બગડી ગયા હતા આ મામલે ચીફ ઓફિસર અને સંબંધિત પદાધિકારીઓને લેખિત મૌખિક માં અનેક ફરિયાદો કરી હતી છતાં કોન્ટ્રાક્ટર કે એજન્સી સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આગામી સમયમાં અમારે જાતે ગેરી સમક્ષ રજૂઆત કરવી પડશે..
  ધોરાજી નગરપાલિકા હદ વિસ્તાર ના રોડ રસ્તાઓ તૂટેલા હોવાથી નગરપાલિકાના ઉપપ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ પોઠિયાવાલા એ જણાવેલ કે ધોરાજીમાં ત્રણ વર્ષ અગાઉ જે ડામર રોડ બન્યા હતા તેનું કામ મધુરમ કન્સ્ટ્રકશન કંપની ને અપાયું હતું. હાલ તેમાંથી અમુક રસ્તાઓ તૂટી જતાં તે રસ્તાઓ પર રિપેર કરવા પાલિકા દ્વારા તાકીદ કરાઈ છે અને તે હાલ ગેરેન્ટી પિરિયડ હેઠળ હોય છતાં કોન્ટ્રાક્ટર દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં આવતી નથી અને તેમની પાસે  યાંત્રિક સાધનો ઓછા હોવા હું પણ જણાઈ રહ્યું છે. આ સંદર્ભે કોન્ટ્રાક્ટરને ત્રણ વખત નોટિસ અપાઇ ચૂકી છે છતાં તેમની કામગીરી સંતોષકારક નથી.
  ધોરાજીના સામાજિક કાર્યકર અને એડવોકેટ બાબુભાઈ જાગાણી એ જણાવેલ કે નગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ પૂર્વે જે રોડ-રસ્તાઓ કરવામાં આવ્યા હતા તે અનેક વિસ્તારોમાં તૂટી ગયા છે. કોન્ટ્રાકટર પાસે ચોક્કસ કામ લેવાની જવાબદારી પાલિકા તંત્ર ની રહે છે. હાલ લોકોને જે હાલાકી ભોગવવી પડે છે તેનો ઉકેલ થાય તેવી લોક માગણી પ્રવર્તિ રહી છે.
  અત્રે ઉલ્લેખનીય છેકે ધોરાજી નગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ અગાઉ મધુરમ કન્સ્ટ્રકશન ને કોન્ટ્રાક્ટ અપાયો હતો. અને હાલ નવા રોડ રસ્તા નું કામ પણ એ જ એજેનસી કરી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ આ મધુરમ કંપની ને પાલિકા દ્વારા વખતો વખત નોટિસ અપાઇ છે. છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. જો સતારૂઢ સભ્યો કબૂલાત કરતાં હોય તો આ એજેન્સી ને બ્લેક લિસ્ટ કરવા કાર્યવાહી કરવી જોઈએ.

(6:25 pm IST)