Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

રીટાયર્ડ થવાની ઉંમરે વિધયાર્થીઓ માટે 'રી-ટ્રાય' કરતા ૮૦ વર્ષના યુવાન ડો.એ.આર. પરીખ

 (અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા.૮ : ઊપરનું શિર્ષક વાંચીને  આશ્રર્ય થાય. ''આઇ એમ  ૮૦ યર્સ યંગ'' એમ કહીને કોલેજના વિદ્યાર્થીઓને પોતાની ઓળખ આપતા ડો. અરુણકુમાર આર. પરીખ કેમેસ્ટ્રી વિષય ની હરતી ફરતી ડિકશનરી સમાન છે. તેઓ ૮૦ વર્ષના વયોવૃદ્ધ નહી પરંતુ યુવાન અને અડગ મનોબળ અને અખુટ અનુભવ ધરાવતા વ્યકિત  છે. 

તેઓ ૬૦ વર્ષથી વધુનો શૈક્ષણીક અનુભવ ધરાવે છે. ૯૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન નીચે પી.એચ.ડી કરી ચુક્યા છે. ૧૨ થી પણ વધારે ઇન્ટરનેશનલ કોલોબ્રેશન ધરાવતા પરીખસાહેબ આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. નેશનલ અને ઇન્ટરનેશનલ જનરલમાં એમના ૪૦૦ થી પણ વધારે રિસર્ચ પેપર પ્રકાશિત થઈ ચૂક્યા છે.પરીખસાહેબે અનેક સંસ્થાઓ સાથે જોડાઈને હજારો વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂ પાડ્યું છે.૧૦ વર્ષ એલ.જે યુનિવર્સિટીમાં ફરજ બજાવ્યા બાદ  તેઓ હવે  સિલ્વર ઓક યુનિવર્સિટી સાથે જોડાઈને વિદ્યાર્થીઓને તેમના અનુભવનો લાભ આપશે. પરીખ સાહેબને તેમના વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રીના ભીષ્મ પિતામહનું બિરૂદ આપ્યુ છે.

આ અંગે વાત કરતા શ્રીપરીખે કહ્યુ કે, બી.એસ.સી. અને એમ.એસ.સી.માં અભ્યાસ કરતા તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ  રહયા હતા અને ત્યારબાદ તેમણે એમ.જી સાયન્સ કોલેજમાંથી તેમનું પી.એચ.ડી. પુરુ કર્યુ ત્યારબાદ ૨૮ વર્ષની ઉંમરે વિરાણી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ બન્યા. ત્યારબાદ તેમણે  ભાવનગર યુનિવર્સિટી, પી.પી ઇન્સ્ટીયુટમાં પણ  ફરજ બજાવી છે. ત્યારબાદ રાજકોટમાં ગુજરાત યુનીવર્સીટી ડીપાર્ટમેન્ટ શરૂ કર્યુ અને ત્યા ૨૨ વર્ષ પ્રોફેસર તરીકે ફરજ બજાવી ત્યારબાદ ૨૦૧૦માં એલ.જે યુનિવર્સિટી સાથે જોડાયા. પરિખસાહેબ શૈક્ષણીક જગતની જીવતી જાગતી મિશાલ છે અને તેમનું જીવન દરેક લોકો માટે પ્રેરણાદાયી છે.

(1:01 pm IST)