Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

હાલ સુધીમાં ૭૭૮૬ વરિષ્ઠ નાગરિકો અને ૯૧૮ કો-મોર્બીડ નાગરિકોએ રસી લઈ કોવિડને હરાવવા આપ્યો સહકાર

જામનગરમાં કોરોના પ્રતિરોધક રસીકરણની સઘન ઝુંબેશ :લાલપુરના ૧૦૨ વર્ષીય માણુંબાએ રસી લીધી, અન્યને પણ આપી પ્રેરણાઃ રસીથી કોઈ તકલીફ નથી, અન્ય પણ રસી લેવા આગળ આવેઃ માણુંબેન કગથરા

જામનગર, તા.૮: જામનગર જિલ્લામાં કોરોનાનાં બીજા તબક્કાના રસીકરણ ઝુંબેશમાં હાલ સુધીમાં જામનગર જિલ્લાના ૭૭૮૬ વરિષ્ઠ નાગરિકો અને ૯૧૮ કો-મોર્બીડ સ્થિતિ ધરાવતા નાગરિકોએ રસી લઈ આ મહામારી સામે લડતમાં સહયોગ આપ્યો છે. જેમાં ૬૧ વર્ષથી લઈ અને ૧૦૦ વર્ષથી વધુના વયોવૃદ્ઘ નાગરિકોનો પણ સમાવેશ છે.

લાલપુરના ૧૦૨ વર્ષીય માણુંબા એટલે કે માણુંબેન કાનજીભાઈ કગથરાએ રસી મુકાવી અને પોતાની તળપદી ભાષામાં અન્યને પ્રેરણા સંદેશ આપતા જણાવ્યું હતું કે, કોરોના એ બધાને ખૂબ હેરાન કર્યા છે. આ રસીથી કોરોના વયો જશે, આ રસીથી મને કોઈ તકલીફ થઈ નથી ત્યારે બીજાએ પણ આ રસી લેવી જોઈએ.

તો લાલપુરના જ રહેવાસી ૮૦ વર્ષીય ભીમજીભાઇ ભાલાણી અને તેમના પત્ની કાંતાબેન ભાલાણીએ આજે સજોડે વેકસીન લઈ કહ્યું કે, કોરોનાને કારણે બધા હેરાન થયા, આ રસીથી હવે કોઈ હેરાન નહીં થાય.અમે રસી લીધી અને બીજાએ પણ રસી લેવી જોઈએ.

રસીકરણ ઝુંબેશ અંગે વિસ્તૃત જાણકારી આપતા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી લાલપુર ડો. કે. એન. કુડેચાએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કામાં અફવા અને ગેરસમજણના કારણે લોકોમાં ભય અને ખૂબ ખચકાટ હતો. પરંતુ ડોકટરો, આરોગ્યકર્મીઓ અને આશાવર્કર બહેનો દ્વારા લોકોને સમજૂત કરવામાં આવ્યા છે

કો-મોર્બીડ એટલે શું? કોણ રસી લઇ શકે?

કો-મોર્બીડ સ્થિતિ એટલે કે ખાસ પ્રકારની બીમારીઓ જેમાં ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, કેન્સર, એચ. આઈ. વી., ડાયાલિસિસ કરાવતા દર્દી, હૃદય રોગને લગત તકલીફો ધરાવનાર, ફેફસાની બીમારી,  લીવર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલ હોય તેવા લોકો પણ આ રસી લઇ શકે છે. આ રસી ખૂબ સુરક્ષિત છે અને અસરકારક છે. આ તબક્કામાં ખાસ આ પ્રકારની કોઇ પણ તકલીફ ધરાવતા ૪૫ થી ૫૯ વર્ષના નાગરિકોને આવરી લઇ સુરક્ષા કવચ રૂપ રસી આપવામાં આવી રહી છે. ત્યારે આવી તકલીફો ધરાવતા લોકો વહેલામાં વહેલી તકે રસી લઇ પોતાને સુરક્ષિત કરે તે ખૂબ જરૂરી છે.

૧૮ વર્ષ થી મોટી ઉંમરના દરેક વ્યકિત આ રસી નિૅંસંકોચ લઈ શકશે. કોવીડ-૧૯ને માત આપીને સાજા થયેલા દરેક વ્યકિત રસી લઇ શકશે.

આ રસી લેવા માટે વરિષ્ઠ નાગરિકો આરોગ્ય સેતુ એપ અથવા તો કોવિન દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જો કોઈ વરિષ્ઠ નાગરિકને રજીસ્ટ્રેશન અંગે કોઈ તકલીફ હોય તો તત્કાલ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા તો સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી દરેક મૂંઝવણના અંત સાથે રસી લઈ શકશે. તો માણુંબાની વાતને યાદ રાખીએ જામનગરવાસીઓ... કોઈ તકલીફ નથી કોઈ આડઅસર નથી તો, માણુંબાની વાતને માનીએ અને વધુને વધુ આપણે રસીકરણ ઝુંબેશમાં જોડાઈને જામનગરને સુરક્ષિત બનાવવામાં સહકાર આપીએ.

(1:10 pm IST)