Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ફિલિપાઈન્સના નાગરિકે કહ્યું ગુજરાતમાં કોરોનાની સારવાર સારી ::શીપમાં વિદેશથી આવેલા ફિલીપન ક્રુ મેમ્બર ભુજની સરકારી કોવિડ હોસ્પિટલ અદાણી જી.કે. મા થયા કોરોના મુક્ત, આ વિદેશી નાગરિક હાઇપર ટેન્શન અને અન્ય રોગથી પીડિત હતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::: એક તો કોરોના અને તેમાંય જ્યારે વિદેશી નાગરિકને કચ્છમાં કોવિડ થાય ત્યારે હોસ્પિટલની જવાબદારી અનેકગણી વધી જાય છે. કેમ કે, કોરોનાની સારવાર સાથે તેના આહાર અને ભાષા પણ ઘણી વખત બાધારૂપ બનતી હોય છે. પરંતુ, કચ્છની સરકારી કોવિડ હોસ્પિટલ અદાણી જી.કે.એ ફિલિપીન્સના નાગરિકને કોરોનાની શ્રેષ્ઠ સારવાર આપી આવા તમામ અવરોધો પાર પાડી, તેમને કોરોનામાંથી મુક્તિ આપી હતી. જી.કે જનરલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપતા મેડિસિન વિભાગના ડો. યેશા ચૌહાણે જણાવ્યુ હતું કે, કંડલા બંદરે વિદેશી ક્રુઝ સાથે આવેલા કિસ્ટ્રેડિયો એમિલિયો જુની ગયા પખવાડિયા દરમિયાન ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ ફિલિપિન્સના નાગરિકને હાઇપર ટેન્શન અને ગાઉટ જેવી બીમારી હતી દાખલ થયા ત્યારે તેમનું એક્સીજન લેવલ (SPG2) પણ ઓછું હોવાથી પરિસ્થિતી ચિંતાજનક હતી. આ ૫૦ વર્ષીય ફિલીપિનોને તાત્કાલિક ૧૫ લિટર ઑક્સીજન ઉપર રાખી સારવાર કરી અને કોરૉનાના સબંધિત રિપોર્ટ કરાયા. તેમનો CT, ન્યુમોનિયા ટેસ્ટ પણ ફિકર ઉપજાવે તેવો હતો. જોકે, તમામ સપોર્ટ સિસ્ટમ સાથે તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાઈ અને સતત ૧૫ દિવસની સારવાર બાદ તેમની પરિસ્થિતી સામાન્ય થતાં તેમને રજા આપવામાં આવી હતી. આ સારવારમાં આસી. પ્રો. ડો. જયંતિ સથવારા, રેસિ. ડો. સાગર સોલંકી, રેસિ. ડો. સમર્થ પટેલ, રેસિ. ડો. હિતાર્થ જોશી તથા નર્સિંગ સ્ટાફના બ્રધર્સ અને સિસ્ટર્સ જોડાયા હતા,

જ્યારે તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ ત્યારે તેમણે અંગ્રેજીમાં ખાસ નોંધ્યું કે, હું બહારનો હોવા છતાં ભુજની સરકારી કોવિડ હોસ્પિટલ અદાણી જી.કે. ના તબીબોએ અને તમામ કર્મચારીઓએ મારી જે સારવાર કરી છે તે માટે હું એમનો ઋણી રહીશ. તમામ બધા ભાઈ બહેનોને મારી શુભેચ્છા આપું છું. આમ તો, વિદેશી નાગરિક જ્યારે આવી સારવાર લેતા હોય ત્યારે ભાષા અવરોધરૂપ બનતી હોય છે પરંતુ ફિલિપિન્સના આ નાગરિકને અંગ્રેજી ભાષાનું પણ જ્ઞાન હોવાને કારણે તબીબોને કાઉન્સિલિંગ કરવામાં સગવડ રહી હતી. બ્રધર્સ અને સિસ્ટર્સે પણ તબીબો અને ફિલિપિન્સના નાગરિક વચ્ચે કડીરૂપ મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ, ગુજરાતમાં સરકારી કોવિડ હોસ્પિટલમાં અપાતી કોરોનાની સારવાર સારી હોવાનો સ્વાનુભવ ફિલિપાઇન્સ ના નાગરિકે વ્યકત કર્યો હતો.

(6:43 pm IST)