Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ઉપલેટા તાલુકામાં પાક નિષ્ફળ અને જમીન ધોવાણનું મંદ ગતીથી ચાલતુ સર્વે સમયસર કરવા માંગ : ખેડુતોમાં આક્રોશ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા., ૯:  ઉપલેટા તાલુકામાં ઓગષ્ટ મહીનામાં થયેલ ભારે વરસાદથી ભાદર મોજ વેણુ અને રૂપાવટી નદીના પુરના પાણીથી ઉપલેટા, ડુમીયાણી, ચિખલીયા,  હાડફોડી,  સમઢીયાળા, તલંગણા, મજેઠી, કુંઢેચ, લાઠ અને ભીમોરા તેમજ નિલાખા ઇસરા, ગણોદ, વરજાંગજાળીયાની જમીનમાં આવેલ પુરના પાણીથી જમીનમાં ભારે ધોવાણ થયેલ છે. ખેડુતોને અલ્કપનીય નુકશાન થયેલ છે અને પાક સંપુર્ણ નિષ્ફળ ગયેલ છે ત્યારે વહેલી તકે સર્વે થાય તેની રાહમાં ખેડુતો બેઠા છે આ ખેડુતો પુછપરછ કરતા જવાબ મળે છે કે સર્વેની કામગીરી ચાલુ છે તમારો ગામનો વારો આવી જશે આ ખેડુતોની માંગ અને આક્રોશને ધ્યાને લઇ ગુજરાત કિસાનસભાનું પ્રતિનિધિ મંડળ ઉપલેટા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને રજુઆતો કરી છે કે ઉપલેટા તાલુકામાં પુર હોનારતથી તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં ભારે નુકશાની થયેલ છે ત્યારે માત્ર ત્રણ ટીમથી આ કામગીરી પુર્ણ કરતા સમય નિકળી જાય આજ સુધીમાં પ૦ જેટલા ગામડામાંથી ૧૩ ગામનું સર્વે થયું છે અને ત્રણ ગામનું ચાલુ છે ત્યારે ભારે નુકશાનીવાળા ગામોના હજારો સર્વે નંબરમાં સર્વેની કામગીરી કરતા દિવસોના દિવસો પસાર થશે તેવો ભય આગેવાનોએ વ્યકત કરેલ છે અને સર્વેની રાહમાં બેસેલા ખેડુતોમાં માગણીથી ચાલતી સર્વે કામગીરી બાબતે રોષ વ્યાપેલ છે.

ઉપલેટા તાલુકામાં સતત વરસાદ અને પુર હોનારતથી થયેલ નુકશાનીનું સર્વે વહેલી તકે સમયસર પુર્ણ કરવા ૧૦ જેટલી સર્વે ટીમની ફાળવણી કરવાની માંગ કૃષિમંત્રી અને મહેસુલ મંત્રીને કરેલ છે તેમજ ધારાસભ્ય લલીતભાઇ વસોયાને ટેલીફોનથી રજુઆત કિશાનસભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ કરેલ છે.

(11:53 am IST)