Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કથા દ્વારા પ્રેમનું પ્રાગટય પણ થાય છેઃ પૂજય ભાઇશ્રી

અધિક પુરૂષોતમ માસની ભાગવત કથામાં ગોવર્ધન લીલા ઉત્સવની ઉજવણી

જુનાગઢ તા.૯ : કથા દ્વારા માત્ર શ્રીકૃષ્ણ પ્રાગટય થતુ નથી. પરંતુ પ્રેમનું પ્રાગટય પણ થાય છે. પ્રેમ અને દ્રેષ બંન્ને અઢી અક્ષરના છે. પરંતુ એક બીજાથી ભિન્ન છે. ધર્મનો હેતુ ભગવાનનાં પ્રેમી બનાવવાનો છે. શોકવિહીન મનોસ્થિતિ અને પ્રેમ પ્રગટાવેલ નહી તેને ધર્મ કહેવાય જ નહીં. ધર્મનું આચરણ કરવાથી દ્રેષ, કલેશ, અવિશ્વાસ દુર થાય છે. માયાનું આવરણ દુર કરીને પ્રેમ પ્રગટાવે  તે ધર્મ છે. એમ કથાકાર, પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ ગુરૂવારે અધિક પુરૂષોતમ માસના ર૧મા દિવસે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનાં પ્રારંભે શ્રીહરિ મંદિર - પોરબંદર ખાતેથી જણાવ્યું હતું.

પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે પૃથ્વીનુું બીજુ નામ છે, રસા એટલે કે રસથી યુકત, આપણું શરીર પૃથ્વીમાંથી બનેલું હોવાથી તે પાર્થિવ શરીર કહેવાય છે. આથી બધાની અંદર પ્રેમ ભરેલો છે. રાજા પરીક્ષિત પોતાની કથાયાત્રાની પ્રતીતિની વિગતો દર્શાવતા કહે છે કે જીવનની બધી સમસ્યાઓનો અંત ધર્માચરણ દ્વારા આવી જાય છે. જીવનમાં મધુરતા વ્યાપે અને હૃદયમાં પ્રેમ પ્રગટે એટલે સર્વાત્મભાવ પ્રગટે છે.

પૂ. ભાઇશ્રીએ જણાવ્યુ઼ કે આપણે માત્ર શ્વાસ લેતો દેહ ધરાવીએ છીએ. પરંતુ જયાં સુધી અંદરથી ખાલી છીએ અને બાહ્ય ભૌતિક ચીજો પ્રત્યે આસકિત રાખીએ છીએ ત્યાં સુધી આવી તમામ કોશિશ વ્યર્થ જવાની છે. જીવનનું સત્ત્વ ખોવાઇ ગયુ છે. સાથો સાથ ભાગવત પ્રેમ બાહ્ય પદાર્થો પ્રત્ગયે આસકિત રહીત બની જાય છે. ભકતને કોઇ ઇચ્છા રહેતી નથી. પછી મીરાંબાઇની જેમ તન્મય થઇને કહે છે કે મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન  કોઇ, ભગવાન સાથે આવા તાદાત્મ્ય ભાવમાં જીવન બોજ નથી લાગતુ. પરંતુ પ્રત્યેક સમસ્યાઓના સમાધાન સાથેનું જીવન બની જાય છે.

કથાના અંતમાં ગોવર્ધન લીલા ઉત્સવ ઉજવામાં આવ્યો હતો. ગોવર્ધન ઉત્સવ નિમિતે વિદેશમાં વસતા શ્રી હરિ ભકતોએ પણ પોતપોતાના ઘરે વિવિધ ભોગ-સામગ્રી બનાવીને ભગવાન બાલકૃષ્ણને અર્પણ કરીહ તી. જેનું ઝૂમ એપ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતુ. કથામાં ઋષિકુમારો દ્વારા સુંદરભોગસામગ્રી તૈયાર કરીને ભગવાન બાલકૃષ્ણને અર્પણ કરવામાં આવી હતી અને આરતી કરવામાં આવી હતી.

(12:52 pm IST)