Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રાજુલામાં ગરીબોનું અનાજ વેચવાના કૌભાંડમાં મુખ્ય સંડોવણી કોની? તપાસનો ધમધમાટ

ઉચ્ચ અધિકારીઓની સંડોવણી છે કે નહી? તપાસ કરવા અંબરીશ ડેરની માંગણી

(શીવકુમાર રાજગોર દ્વારા) રાજુલા, તા., ૯: રાજુલાના માર્કેટ યાર્ડમાં અનાજ વેચવાનું કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ પ્રકરણમાં મુખ્ય સંડોવણી કોની છે? તે તરફ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

રાજુલાની પુરવઠા ઓફીસના નાક નીચે આજ રોજ રાજુલામાં માર્કેીંગ યાર્ડમાં ૭૭૮ ગુણી ઘઉ અને ર૦૦ ગુણીઓ ચોખાનો જથ્થો રાજુલાના નાયબ કલેકટરશ્રી ડાભીની સુચનાથી મામલતદાર દ્વારા હાલમાં સીઝ કરવામાં આવેલ છે. આ જથ્થો૩ ટ્રકો ભરીને હાલ સરકારી ગોડાઉનમાં રાખવામાં આવેલ છે. આ જથ્થો સરકારની રેશનીંગની વ્યાજબી ભાવોની દુકાનોનો હોવાની શંકાના આધારે સીઝ કરવામાં આવેલ છે.

આવડો મોટો જથ્થો ગરીબોના અને ખેડૂતોના નામે રાજૂલા માર્કેટીંગ યાર્ડમાં કોણે ઘુસાડયો ? અને હરાજીનાં કોણે મુકયો? આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ટેકાના ભાવે  મગફળીની  ખરીદી રાજૂલા માર્કેટીંગ યાર્ડમાં શરૂ હોય, કેટલીક મગફળી રીજેકટ થયેલ હોય આ અંગેની તપાસ માટે નાયબ કલેકટરશ્રી ડાભી આવેલ હોય ત્યારે તેઓને મળેલ બાતમીના આધારે તેઓએ ઘઉં, ચોખાની તપાસ કરતા આ વિસ્તારમાં ચોખાનો પાક થતો નહી હોવા છતાં ચોખાની હરાજી થતી જોઇને મળેલ બાતમી સાચી હોય તેમ તેણે ઊંડી તપાસ કરતા ઘઉં ગુણી ૭૭૮ અને ચોખા ગુણી ર૦૦ નો મસમોટો જથ્થો જોવા મળેલ હોય અને આ ઘઉં - ચોખા લોક ડાઉન સમયે સરકારે આપેલ મફત અનાજ પગ કરી ગયા હોય તેવુ જણાતા તેઓએ મામલતદાર અઢીયાને આ અંગેની તપાસ કરવા જણાવેલ અને તાત્કાલીક સ્થળ પર આવીને આ જથ્થો સીઝ કરવા જણાવેલ હતું તે મુજબ આ જથ્થો સીઝ કરવામાં આવેલ છે.

અગાઉ થયેલ કૌભાંડમાં કલેકટરશ્રી આયુષ ચોક દ્વારા પોલીસ મારફત રેશનીંગ કૌભાંડની સફળતા મેળવેલ તેવી જ રીતે આમાં પોલીસ તપાસના આદેશો આપવામાં આવે તો હજુ પણ મસમોટો જથ્થો બહાર આવે તેવી શકતા છે.

આ ઉપરાંત રાજુલામાં કેટલા બીપીએલ કાર્ડો રદ થયા અને કોના નામે નવા બનાવવામાં આવ્યા અને આવા બીપીએલ કાર્ડો રદ કરવામાં શુ કારણો હતા. તેની પણ તપાસ કરવામાં આવે તો પણ કેટલાક અધિકારીઓની સંડોવણી બહાર આવે તેમ છે.

રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર દ્વારા નિવેદનમાં એવું જણાવેલ છે કે, આટલો મોટો ગરીબોનો જથ્થો કોની સંડોવણીથી બારોબાર વહેચાઇ ગયો તથા આ જથ્થો વહેચવામાં શુ ઉચ્ચ અધિકારીની પણ સંડોવણી છે કેમ ? તથા પ્રશ્ન ઉંડાણ પૂર્વકની તપાસ થવી જોઇએ અને સંડોવાયેલાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરેલ છે.

(1:05 pm IST)