Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

છેલ્લા ૧૪ દિવસમાં જુનાગઢ જિલ્લામાં કોરોનાથી એકપણ દર્દીનું મોત નહિ?

ર૪ કલાકમાં નવા ૩૭ કેસ સામે પ૦ દર્દી ડિસ્ચાર્જ

જુનાગઢ તા. ૧૦ : કોરોના સર્વત્ર હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે છેલ્લા ૧૪ દિવસમાં જુનાગઢ જિલ્લામાં કોરોનાના એકપણ દર્દીનું મોત થયું નથી. જેના કારણે લોકોમાં પણ અચરજ ફેલાયું છે.

દેશ અને દુનિયામાં કોરોના મહામરીએ અજગર ભરડો લીધો છે. પોઝીટીવ કેસ સતત વધી રહ્યા છે.

હવે ર૪ કલાકમાં જુનાગઢ જિલ્લામાં નવા ૩૭ કેસ આવ્યા હતા જેમાંથી ૧૭ કેસ માત્ર જુનાગઢ શહેરના છે.

જયારે કેશોદ તાલુકામાં ૬ કેસ, માણાવદર, વંથલી તથા વિસાવદર તાલુકામાં ત્રણ-ત્રણ કેસ, જુનાગઢ, ભેસાણ, માળીયા, હાટીના, મેંદરડા અને માંગરોળ તાલુકામાં એક-એક કેસ નોંધાયો હતો.

જયારે બીજી તરફ જુનાગઢના ર૧ સહિત પ૦ જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી હતી આ તમામ પ૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

દરમ્યાન જુનાગઢ જિલ્લામાં સદનસીબે કોરોનાના એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી પરતુ તંત્ર મોતના આંકડા છુપાવી રહ્યું છે  લોકોમાંથી આક્ષેપ થયો છે.

છેલ્લે જુનાગઢ જિલ્લામાં ગત તા.ર૭ સપ્ટેમ્બરના રોજ એક કોરોના દર્દીનું મૃત્યુ નિપજયું હતું આ પછી પોઝીટીવ કેસમાં સતત વધારો થયો છે અને વધુમાં વધુ દર્દીઓએ સ્વસ્થતા પ્રાપ્ત કરી છે પરંતુ તંત્રની સતાવાર માહિતી પ્રમાણે જિલ્લામાં કોરોનાનો મૃત્યુ દર સિમીત હોવાનું જણાય રહ્યું છે.

બીજી તરફ પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ કેટલાક કિસ્સામાં દર્દી અથવા તેના પરિવારજનો દ્વારા કોરોન્ટાઇનનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાની ફરીયાદ લોકોમાંથી ઉઠવા પામી છે.

(12:45 pm IST)