Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

દ્વારકાની સરકારી હોસ્પીટલમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા પાલિકા પ્રમુખ જ્યોતિબેન દ્વારા આરોગ્યમંત્રી રજુઆત

(વિનુભાઇ સવાણી દ્વારા) દ્વારકા,તા.૧૨ : ­ગામો વચ્ચે માત્ર એક જ સબ-ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હોવાથી આજુબાજુના ગામડાઓના દર્દીઓનો ખુબ જ ઘસારો રહે છે. આ કેન્દ્રમાં લાંબા સમયથી ડોકટરોની જગ્યાઓ ખાલી છે જેના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આરોગ્ય કેન્દ્રના વર્ગ-૧,ર,૩ ની જગ્યાઓ વહેલીતકે ભરવા દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જયોતિબેન સામાણીએ રાજયના આરોગ્યમંત્રી નીતીનભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, રાજયના આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ, જીલ્લા કલેકટરને સહિતનાને લેખિત રજુઆત કરી છે. જયોતિબેને રજુઆતમાં જણાવેલ છે કે યાત્રાધામ દ્વારકાને ખાનગી દાતાના ડોનેશન તથા રાજય સરકારના સહયોગથી અદ્યતન ''સબ-ડીસ્ટ્રીકટ હોસ્પીટલ''ની સુવિધા મળી છે. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા કાર્યરત કેન્દ્રને જનરલ હોસ્પીટલનો દરજ્જો આપી ૫૦ બેડની અધતન હોસ્પીટલનું નવું યુનિટ ફાળવેલ છે, આમ તમામ વિભાગો સાથૈનું આધુનીક સુવિધાવાળું તદન નવું આરોગ્ય કેન્દ્ર તૈયાર થતા આરોગ્ય સંબંધી સુવિધામાં વધારો થયો છે. કેન્દ્ર અપગ્રેડ થવાના કારણે સેટઅપમાં પણ ફેરફાર થયો છે. અધિક્ષક, જનરલ સર્જન તથા વર્ગ-૧ની ચાર જગ્યા મળીને કુલ ૬(છ) જગ્યાઓ પૈકી માત્ર એક જ ડોકટરની નિમણુક થયેલ છે, વર્ગ-ર ની કુલ ૪(ચાર) જગ્યાઓ પૈકી માત્ર એક જ ડોકટરની નિમણુંક થયેલ છે ઉપરાંત વર્ગ-૩માં એકસરે ટેકનીશ્યન, લેબોરેટરી ટેકનીશ્યન, કાર્માસીસ્ટ વગેરે પૈકી એક જગ્યા (જે આઉટસોર્સથી) ભરાયેલી છે અને બાકીની જગ્યાઓ લાંબા સમયથી ખાડી પડેલી છે. સદર જગ્યાઓ મંજુર થયા હોવા છતા તેનો લાભ આ કેન્દ્રને અને પ્રજાજનોને મળતો નથી.

જેના કારણે આરોગ્ય સેવા ઉપર પણ અસર થાય છે. ડોકટરો તથા સ્ટાફ અપુરતો હોવાથી દર્દીઓને સારવાર માટે દ્વારકાથી ૯૦ કીમી દુર જવું પડે છે, વધુમાં તેમણે જણાવેલ કે કેન્દ્રમાં પ્રતિદિન ૩૦૦ જેટલા ઓ.પી.ડી.ના કેસ, મોટી સંખ્યામાં એકસ-રેના દર્દીઓ ઉપરાંત હાલમાં કોરોનાની મહામારીને કારણે દ્વારકા વિસ્તારમાં કોરોનાના કેસ વધતા ડોકટરોની ખાલી પડેલી જગ્યાઓને કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આ બાબતે તાલુકાના આગેવાનો દ્વારા અનેક વખત રજુઆતો થઈ છે, પરંતુ ખાલી પડેલી જગ્યાઓ ઉપર હજુ સુધી ડોકટરોની નિમણુંક થયેલ નથી, આ કેન્દ્રમાં દર્દીઓની સંખ્યાઓને ધ્યાનમાં લઈ તથા ડોકટરોના કાર્યબોજને લક્ષમાં રાખી ખાલી પડેલ વર્ગ-૧,ર,૩ ની જગ્યાઓ તાત્કાલિક અસરથી ભરવા રજુઆતમાં જણાવેલ છે.

(11:25 am IST)