Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

આરોગ્ય વિભાગને કોરોનાના દર્દી દીઠ નાણાં અપાય છે એવી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરાશે : આયુષ ઓક

સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રસરેલી કેટલીક અફવાઓનું ખંડન કરતા અમરેલી કલેકટર

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, તા.૧૧: અમરેલી જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકએ હાલની કોરોના મહામારીને અનુલક્ષીને પ્રજાજોગ સંદેશો પાઠવ્યો હતો. સોશ્યલ મીડિયાના માધ્યમથી જિલ્લામાં પ્રસરેલી કેટલીક એવી અફવાઓનું ખંડન કરતા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા ઉપર એવી અફવાઓ ઉડી રહી છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) આરોગ્ય વિભાગને એક કોરોના પોઝિટિવ દર્દી દીઠ રૂ. ૧.૫ લાખ આપે છે. હકીકતે આ વાતમાં કોઈ તથ્ય નથી. બીજી અફવા એવી હતી કે અમરેલી જિલ્લાના તમામ પોઝિટિવ દર્દીઓને સીધા સિવિલ હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવે છે. જે તદ્દન પાયાવિહોણી વાત છે કારણ કે હાલ કોરોનાના મોટાભાગના દર્દીઓ પોતાના દ્યરે જ સારવાર મેળવી રહ્યાં છે. જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય માત્ર એવા જ દર્દીઓને હોસ્પિટલમાં રાખવામાં આવે છે. અમરેલી સિવિલ હોસ્પિટલની કુલ ક્ષમતા ૧૦૦ બેડની જ છે અને હાલ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા વધારે છે. આવી ગંભીર અફવાઓ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરનારની પોલીસ તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કલેકટરશ્રીએ જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે આપના દ્યરમાં કે નજીકમાં કોઈપણ ૫૦ વર્ષથી ઉપરના વ્યકિત હોય અથવા ગંભીર બીમારી ધરાવતા લોકોએ સામેથી આવી તાત્કાલિક કોરોનાનો એન્ટિજન ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે. ટેસ્ટ કરાવવાથી દર્દીની સાથે સાથે એમના પરિવારજનો પણ સુરક્ષિત રહી શકે છે. હાલ તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ યોજીને કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ કરાવતી વખતે કોઈએ પણ ડરવાની જરૂર નથી.

કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ પોતાના ઘરમાં જ સારવાર લઇ શકે છે. એટલે સામાન્ય લક્ષણો જણાતા તાત્કાલિક ટેસ્ટ કરાવવો અત્યંત જરૂરી છે. વહેલી જાણ થશે તો દર્દીને વહેલી સારવાર આપી શકીશું અને દર્દનો જીવ બચાવી શકીશું. જિલ્લામાં જેટલા પણ મૃત્યુ થયા છે એમાંથી મોટાભાગના સિવિલમાં મોડા દાખલ થવાના કારણે થયા છે. કોરોનાની બીમારી એવી છે કે એક વાર ચેપ લાગ્યા પછી ચાર-પાંચ દિવસ સુધી દર્દીને લક્ષણો પણ નથી દેખાતા અને અચાનક જ શ્વાસોશ્વાસમાં તકલીફ થાય છે અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું અનિવાર્ય બને છે. તો આવી પરિસ્થિતિમાં લોકોને સામે ચાલીને આવે અને ટેસ્ટ કરાવે તો આ મહામારી સામે જીત મેળવી શકીશું.

(12:58 pm IST)