Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

આલ્કોહોલ વગરના સેનેટાઇઝરથી કરાશે વાયરસનો સફાયો

જામનગરની કામધેનુ દિવ્ય ઔષધી મંડળી દ્વારા ગૌમુત્ર, લીમડા, તુલસીમાંથી બનાવ્યું સેનેટાઇઝર

અમદાવાદ :  કોરોના કાળમાં જયારે હેન્ડ સેનેટાઇઝર હવે જીવનનો હિસ્સો બની ચુકયું છે ત્યારે આલ્કોહલ આધારિત સેનેટાઇઝરનું વેચાણ અનેક ગણુ વધી ગયું છે. જો કે જે લોકો આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઇઝરની પરેજી છે અથવા તેનો ઉપયોગ નથી કરવા માંગતા તેમના માટે બજારમાં ગોમુત્ર આધારિત સેનેટાઇઝર બજારમાં આવી રહ્યું છે.

જામનગરની કામધેનું દિવ્ય ઔષધ મંડળીએ ગૌમુત્ર આધારિત હેતુ સેનટાઇઝર બનાવ્યું છે જેમાં તુલસી અને લીમડાનો પણ ઉપયોગ કરાયો છે. એવું જણાવવામાં આવ્યું છે કે ભારતમાં આ એક મંડળી એવી છે કે જે પંચગવ્ય આધારિત બધા ઉત્પાદનો  બનાવે છે. મંડળી દ્વારા ઘણા ઉત્પાદનો બનાવાય છે. ત્યારે લોકડાઉન દરમિયાન તેમને વિચાર આવ્યો  કે પંચગવ્ય આધારિત હેન્ડ સેનેટાઇઝર પણ બનાવી શકાય.

મંડળીના માર્કેટીંગ એકમના ડાયરેકટર મનીષા શાહે જણાવ્યું કે ડોકટરોની ટીમ સાથે રિસર્ચમાં લીમડો, તુલસીની સાથે અન્ય હર્બલ વસ્તુઓ સાથે ગૌમુત્ર આધારિત હેન્ડ સનેટાઇઝર બનાવાયું છે જેને ગો-સેફ નામ અપાયું છે. આ પહેલા ગોમુત્ર આધારિત રૂમ કિલનીંગ લિકવીડ અને સરફેસ સેનેટાઇઝરનું ઉત્પાદન કરાઇ ચુકયું છે. તેમણે કહ્યું કે હવે ફકત લાયસન્સની રાહ જોવાઇ રહી છે. એફ.ડી.સી.એ.માંથી લાયસન્સ મળી ગયા પછી આ ઉત્પાદન બજારમાં મળતુ થઇ જશે. તેમણે કહ્યું કે કેટલાક લોકો આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ નથી કરવા ઇચ્છતા તેમના માટે આ સેનેટાઇઝર ઉપયોગી બનશે.

સરકારી અખંડાનંદ આયુર્વેદિક કોલેજના પ્રોફેસર ડો. અશોક કુમાર શર્માનું કહેવુ છે કે આયુર્વેદમાં કહેવાયું છે કે ગૌમૂત્રમાં હાનિકારક તત્વોનો નાશ કરવાની ક્ષમતા છે.ગૌમૂત્ર સાથે લીમડો અને તુલસીનો ઉપયોગ કરવાથી તેની શકિત વધુ વધી જાય છે.

(2:21 pm IST)