Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

દુનિયાના સૌથી મોટા શિક્ષક શ્રીકૃષ્ણ છે, માટે તેઓને જગદગુરૂ કહીને પ્રાર્થના કરાય છેઃ પૂજય ભાઇશ્રી

પોરબંદર હરિ મંદિરે અધિક માસની શ્રીમદ્ ભાગવત કથા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર :.. દુનિયાના સૌથી મોટા શિક્ષક શ્રીકૃષ્ણ છે. માટે જ તેઓને જગદગુરૂ કહીને પ્રાર્થના કરવામાં આવે છે. શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓનું સુંદર વર્ણન આવે છે. લીલાની કથાઓ પણ થાય છે, તેનું મંયન પણ થાય છે. ભગવાને તેમની લીલાઓ લોકરંજનની સાથે લોકશિક્ષણ માટે કરી છે. આપણા જીવનને લયમાં લાવે તે લીલા. કથામાં જીવને તલ્લીન બનાવી દે અને પરમાત્મા સાથે લય કરાવી દે તે લીલા. આવી દિવ્ય લીલાઓનું કથામાં રસપ્રદ વર્ણન કરાયું છે, એમ કથાકાર પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ રવિવારે અધિક-પુરૂષોતમ માસના ર૪મા દિવસે શ્રીમદ્ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞનાં પ્રારંભે શ્રીહરિ મંદિર પોરબંદર ખાતેથી જણાવ્યું હતું. પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે બાળક નાનું હોય ત્યારથી શિક્ષણનો પ્રારંભ થઇ જાય છે. તે શ્રવણ દ્વારા આજુબાજુની પ્રવૃતિઓની જાણકારી મેળવે છે. ધ્વનિ એટલે કે સાઉન્ડ પ્રથમ સોપાન છે. આપણી સૃષ્ટિનો પ્રારંભ દિવ્યધ્વનિ દ્વારા થયો છે. જેને અનાહત નાદ કહીએ છે. તે આપોઆપ પ્રગટ થયો છે. અનાહત નાદનું પ્રગટ સ્વરૂપ એટલે ઓમકાર જે પરમાત્માનો વાચક છે. આથી, વેદમંત્રોના પ્રારંભમાં પ્રણવ એટલે કે ઓમકારનું ઉચ્ચારણ કર્યા પછી મંત્ર બોલવામાં આવે છે.

પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે નાદ બ્રહ્મશકિત છે. તેના આધારે આપણું શરીર ટકી રહે છે. સમગ્ર બ્રહ્માંડ આ નાદના આધારે ટકી રહ્યું છે. નાદ એ સુવર્ણ છે અને ઓમકાર તેમાંથી બનતું આભૂષણ છે. નાદનો આકાર એટલે શબ્દ. જે સતત બદલતો રહે. છે. આ વિવિધ આકારમાં બોલીઓ અને ભાષાઓની રચના થઇ છે. તેમાંથી લખવા માટેની લિપી બની. અમુક લીપી સમાન હોય ત્યાર પછી શબ્દોને કાગળ ઉપર લખવામાં આવ્યા અને તેમાંથી છાપખાના બન્યા. બોલાતો શબ્દ લખાતો થયો. વંચાતો થયો અને પ્રત્યાયન એટલે કે પરસ્પર સંવાદ થયો. કયારેક વાચક જાતે જ સંવાદ કરે છે. ભાવ વ્યકત કરવા અલગ-અલગ રાગ પણ બન્યા અને વિભિન્ન-આરોહ-અવરોહમાંથી સૂર બન્યા.

પૂજય ભાઇશ્રીએ કથા દરમિયાન જણાવ્યું કે શ્રીમદ ભાગવત એ બ્રહ્મવિદ્યાનો ગ્રંથ છે. વિદ્યા એટલે જ્ઞાન. જે બે પ્રકારની  છે, પરાવિદ્યા અને અપરાવિઘા. અપરા વિદ્યામાં અર્થોપાર્જન અને વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવે છે. પરમાત્મામાં આપણી મતિને દોરે તે પરા વિદ્યા એ પરબ્રહ્મને પમાવાની વિદ્ય છે. સાંદીપની વિદ્યા નિકેતન દ્વારા બન્ને પ્રકારની વિદ્યાઓ દ્વારા વિદ્યાર્થી સંપન્ન અને આદર્શ નાગરીક બને તે માટે વિવિધ પ્રવૃતિઓ કાર્યરત છે. વિદ્યાનો પ્રસાર અને વિદ્યોતેજક સંસ્થાઓ તેમાં જોડાઇ શકે છે.

(1:06 pm IST)