Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

મુળ જામનગરના અનંત શાહનું બ્રિટનના મહારાણી દ્વારા સર્વોચ્ચ એવોર્ડથી સન્માન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ :.. અનંત એમ. પી. શાહનું બ્રિટનના મહારાણી દ્વારા યુ. કે. ના સર્વોચ્ચ એવોર્ડથી સન્માન થયું છે. મુળ જામનગરના વતની અનંતભાઇ શાહનો જન્મ નાયરોબી, કેન્યાનો થયો. તેમણે થોડા વર્ષો ભારતમાં વિતાવ્યા અને ત્યારબાદ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લંડનમાં પુરું કરી લંડન સ્કુલ ઓફ ઇકોનોમીકસમાંથી સ્નાતક (B.Sc.Economics) ની ડીગ્રી પ્રાપ્ત કરેલ.

 વર્ષ ૧૯૭૩ માં તેમણે પોતાના મોટા ભાઇ વિપીનભાઇ સાથે મળીને 'મેઘરાજ ગ્રુપ'ની સ્થાપના કરી ફાઇનાન્સલ સર્વિસ સેકટરમાં પર્દાર્પણ કર્યુ. 'મેઘરાજ બેંક' યુનાઇટેડ કિંગડમની પ્રથમ ખાનગી બેંકો પૈકીની એક છે જેણે યુ. કે. માં ભારતીય લોકોને બહોળા પ્રમાણમાં સેવા આપેલ.

યુવાનીના સત્યાવીસ વર્ષ આર્થિક ઉપાર્જનમાં વિતાવ્યા બાદ, સમાજ-સેવક અને દાનેશ્વરી તરીકે જગ-વિખ્યાત પિતાશ્રી મેઘજીભાઇના ચિંધ્યા માર્ગે પોતાની શેષ જિંદગી સમાજ સેવા માટે અપર્ણ કરવાનો નિર્ણય કરી ઇ.સ. વર્ષ ર૦૦૦ થી સમાજ સેવાના કાર્યોમાં પ્રવૃત થયા.

મેઘજી પેથરાજ શાહ પરિવારથી ચાલતી અનેક સંસ્થાઓથી દરરોજ લગભગ ૩પ૦૦૦ થી વધુ લોકો લાભાન્વિત થાય છે. માદરે વતન જામનગરમાં શ્રી એમ. પી. શાહ મ્યુ. ટાઉન હોલ, શ્રી એમ. પી. શાહ મ્યુ. વૃધ્ધાશ્રમ, શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, એનિમલ હોલ્પ લાઇન, જામનગર જીલ્લામાં અનેક શાળાઓ તથા છાત્રાલયો જેવી અનેક સખાવતો તો કરી જ પણ સાથે સાથે સુરેન્દ્રનગર, કડી વાઘોડીયા, પાલીતાણા, ભાવનગર, સાવરકુંડલા, લીબડી, મુંબઇ વી.માં શૈક્ષણીક સંકુલ અને દિલ્હી સ્થિત ગુજરાતી સમાજમાં ઓડીટોરીયમ જેવા અનેક અનુદાન સમગ્ર ભારતમાં કરી તેમણે સમાજનું ઋણ અદા કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે.

જામનગર સ્થીત એમ. પી. શાહ મેડીકલ કોલેજમાંથી ૧૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ડોકટરની ઉપાધી મેળવી સમાજ સેવામાં કાર્યરત થયા છે. તો અમદાવાદ સ્થિત એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલની, તેની ઉચ્ચ કક્ષાની સેવાઓને કારણે, સમગ્ર ભારતમાં  દ્વિતીય ક્રમે ગણના થાય છે.

આ પરિવાર દ્વારા અનુદાનિત અનેક સંસ્થાઓ માટે પોતાનો અમૂલ્ય સમય આપવા ઉપરાંત શ્રી અનંતભાઇ ભારતીય વિદ્યાભવન,  Institute of jainology, Brooke, Scope, Global Giving, Trees for Cities, Animal InterFaith Alliance, ipartner india, ProVeg, Citzens Advice Enfield, Faraja Cancer Care  જેવી અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી અથવા સલાહકાર તરીકે સેવારત છે. 

તેમના શિક્ષણ, એનિમલ વેલ્ફેર તથા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં બહુમુલ્ય પ્રદાન બદલ, યુ. કે. ના મહારાણી દ્વારા 'ઓ.બી.ઇ.' (ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર) પુરસ્કારથી સન્માનીત કરવામાં આવેલ છે. યુનાઇટેડ કીન્ગડમ દ્વારા આપતા સર્વોચ્ચ ખિતાબોમાં સી. બી. ઇ. (કમાન્ડર ઓફ બ્રિટીશ એમ્પાયર) પુરસ્કાર પ્રથમ ક્રમનો, 'ઓ.બી.ઇ.', પુસ્કાર બીજા ક્રમનો અને એમ. બી. ઇ. (મેમ્બર ઓફ બ્રિટીશ એમ્પાયર) એ ત્રીજા ક્રમનો પુરસ્કાર છે.

હાલારી વિશા ઓશવાલ જ્ઞાતિના અનંતભાઇનું બ્રિટનના મહારાણી દ્વારા 'ઓ.બી.ઇ.' તરીકેનું યુ. કે.ના દ્વિતીય ક્રમના સર્વોચ્ચ પુરસ્કારથી બહુમાન થયું તે સમગ્ર ભારતવાસીઓ માટે ગર્વની વાત છે.

(12:38 pm IST)