Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

તળાજા અને મોટી પાનેલીમાં અમીછાંટણાઃ સવારે વાદળા છવાયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવતઃ ધોમધખતો તાપ

 

પ્રથમ તસ્વીરમાં ભાવનગર અને બીજી તસ્વીરમાં આટકોટમાં વાદળછાંયુ વાતાવરણ રહ્યું હતું.

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો છવાયો હતો અને ભાવનગરના તળાજા પંથક અને ઉપલેટાના મોટી પાનેલીમાં વરસાદના અમી છાંટણા થયા હતાં. જો કે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં વાદળા છવાયા હતા અને થોડી વાર વાદળા બાદ તડકો છવાઇ ગયો હતો અને ધોમધખતા તાપનો અનુભવ થઇ રહ્યો છે.

મોટી પાનેલી

મોટી પાનેલી : ભાયાવદર તાલુકાના મોટીપાનેલી ગામે ઉનાળે આકાશી ઠંડક વરસી પડી હતી. મંગળવારે સાંજે તડકો નમ્યો પણ ન હતો એવામાં થોડી સેકન્ડ પુરતાં અમીછાંટણા થતા લોકોને કુતૂહલવશ જોવા દોડી ગયા હતા અને વરસાદી છાંટા ઝીલીને ઠંડક અનુભવી હતી, જો કે લોકોની આ ખુશી લાંબો સમય નહોતી જળવાઇ. મોટીપાનેલીમાં મંગળવારે સાંજે પ કલાકે અમીછાંટણા થયા હતાં. ચૈત્રી નોરતાના પ્રારંભે વાતાવરણમાં સખ્ત ગરમી અનુભવાઇ રહી છે ત્યારે અચાનક બફારો અને ઉકળાટ થવા લાગ્યો હતો. તેવામાં થોડી સેકન્ડ પુરતાં અમી છાંટણા થયા હતાં. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર : ચૈત્ર માસમાં માવઠાની સંભાવના રહે છે. ભાવનગરના તળાજામાં પંથકમાં કાલે ચૈત્ર માસના પ્રથમ દિવસે સાંજે ૬ વાગ્યે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળા વાદળો વચ્ચે અમી છાંટણા થયા હતાં.  ભાવનગર શહેરમાં પણ સાંજે વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ :.. આટકોટ આજે સવારે વાદળછાયુ વાતાવરણ છવાઇ હતું ખેડૂતોમાં, ચિંતાની લાગણી ફેલાઇ ગઇ હતી હાલમાં ઘણા ખેડૂતોને ઘઉંનો પાક લેવાનો બાકી હોય ત્યારે જ વાદળછાયું વાતાવરણ થતા ચિંતા ફેલાઇ હતી કાલે સાંજેથી વાદળો છવાઇ ગયા હતાં. ખેડૂતોમાં માવઠું નહિ પડે ને તેવી ચર્ચા ફેલાઇ ગઇ હતી. આકાશમાં સવારે વાદળો છવાઇ ગયા હતાં.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. શહેરનું મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી, લઘુતમ રર.૮ ડીગ્રી, હવામાં ભેજ ૮૧ ટકા, પવનની ઝડપ ૭.૩ કિ. મી. પ્રતિ કલાક રહી હતી.

(11:05 am IST)