Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજીનો પ્રારંભ : કેરીના બોક્સના રૂ.૫૦૦ થી લઈને ૮૦૦ સુધીના ભાવ આ વર્ષે કેસર કેરીનુ ઉત્પાદન ઓછું થાય તેવી શકયતા

જુનાગઢ :કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે કેરીની સિઝન શરૂ થતાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ૩,૦૦૦ જેટલા કેસર કેરીના બોક્સની આવક શરૂ થઇ ગઇ છે.આ વર્ષે યાર્ડમાં કેરીના બોક્સના રૂ.૫૦૦ થી લઈને ૮૦૦ સુધીના ભાવ બોલાઈ રહ્યા છે.ગીરની પ્રખ્યાત અને ફળોમાં રાજા ગણાતી કેસર કેરીની આવક શરૂ થતાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી કેરીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે ૩,૦૦૦ જેટલા કેરીના બોક્સની આવક થઇ હતી. જુનાગઢ તથા સાસણ, તાલાલા સહિતના ગામો અને પંથકના ખેડૂતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વેચાવા આવી રહ્યા છે. ખેડૂતો લઇ આવેલ કેરીની જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારીઓ હરરાજી કરી વેચી રહ્યા છે. જેમાં કેસર કેરીના ૧૦ કિલોના એક બોક્સના ૫૦૦ રૂપિયા થી લઈને ૮૦૦ રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે

.જુનાગઢ યાર્ડમાંથી કેરી રાજકોટ અમદાવાદ, વડોદરા, મોરબી સહિતના અલગ-અલગ સેન્ટરોમાં જાય છે. તો ચોમાસાની સિઝનમાં પાછોતરા પડેલા વરસાદના અને વધુ પ્રમાણમાં રહેલ ઝાકળ અને વાતાવરણની અસરના કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાનની ચર્ચા છે. જેથી આ વર્ષે કેસર કેરીનુ ઉત્પાદન ઓછું થાય તેવી કેરીના વેપારી અદ્રેમાનભાઈ પંજા સહિતના શક્યતા દર્શાવી રહ્યા છે.

(8:04 pm IST)