Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મોરબી જિલ્લામાં ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર સતીષભાઇ ઘોડાસરા પ્રથમ ખેડૂત બન્યા

કૃષિ મહોત્સવમાં મળેલુ માર્ગદર્શન ઉપયોગી થયુ : ર વર્ષની મહેનત ફળી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૪ :  ટંકારા તાલુકાના સજ્જનપર ગામના રહેવાસી સતીષભાઈ ઘોડાસરા એન્જીનીયરીંગ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલ હોય જેને નોકરી કે વેપારને બદલે ખેતી કરવાનું નક્કી કર્યું હોય જોકે શિક્ષિત ખેડૂતે પરંપરાગત ખેતી કરવાને બદલે ખેતીના ક્ષેત્રે ક્રાંતિ લાવવાનું નક્કી કર્યું હતું અને ડ્રેગન ફ્રુટની ખેતી શરુ કરી છે જે તદન નવી ખેતી છે.

મોરબી જીલ્લામાં સૌપ્રથમ સતીષભાઈએ અનોખું સાહસ કર્યું છે અને બે વર્ષ કરેલી મહેનતના હવે મીઠા ફળ પણ તેઓ ચાખી રહ્યા છે જે ડ્રેગન ફ્રુટની ખેતી અંગે સતીષભાઈ જણાવે છે કે કૃષિ મહોત્સવમાં વૈજ્ઞાનિકની સલાહ અને માર્ગદર્શન મળતા તેને ડ્રેગન ફ્રુટની ખેતી કરવાનું નક્કી કર્યું હતું અને ડીસેમ્બર ૨૦૧૮ માં વાવેતર શરુ કર્યું હતું વાવેતર ૧૦ હ્ર ૬ નું તેઓએ કર્યું છે જે ૧૨ હ્ર ૮ નું પણ કરી સકાય છે એક પોલમાં ૪ રોપા વાવી સકાય છે જેમાં ૨ વર્ષ બાદ હવે ફળ આવી રહ્યા છે જેમાં એક પોલે ૨ કિલો પાક ઉતરે છે અને ૩ વર્ષ પછી ૪ થી ૫ કિલો ફળ મળે તેવી આશા છે. મોરબી જિલ્લામાં ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર તેઓ પ્રથમ ખેડૂત બન્યા છે.

ડ્રેગન ફ્રુટની ખેતીનો નવો અધ્યાય કરવો આસાન ના હતો જે અંગે ખેડૂત જણાવે છે કે તેઓએ રોપા હૈદરાબાદથી મંગાવ્યા હતા અને ૧ વીદ્યાએ દોઢ લાખ જેટલો ખર્ચ અને સારી એવી મહેનત માંગી લે છે જોકે હવે લોકલ નર્સરીમાં પણ રોપા મેળવી સકાય છે તે ઉપરાંત ૩૨ ડીગ્રી ટેમ્પરેચર સુધીનું હવામાન ડ્રેગન ફ્રુટની ખેતીને માફક આવે છે તેમ પણ જણાવ્યું હતું.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર વૈજ્ઞાનિક ડી એ સરડવાએ જણાવ્યું હતું કે મોરબીમાં ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરીને ખેડૂતે અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે તો તેને કરેલી સફળ ખેતીએ સાબિત કર્યું છે કે અહીનું હવામાન આ પાકને માફક આવે તેમ છે જેથી અન્ય ખેડૂતો પણ હવે ડ્રેગન ફ્રુટ ખેતી તરફ વળશે અને સારી આવક મેળવી સધ્ધર બની શકશે.

(11:44 am IST)