Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સર્વેના નાટક બંધ કરી ૨૫૦% વરસાદને જ અતિવૃષ્ટિ ગણી કચ્છના ખેડૂતો માટે તુર્ત સહાય પેકેજ જાહેર કરો

ભુજ તા. ૧૪ : ચાલુ વર્ષે કચ્છ જીલ્લામાં ૨૫૦% જેટલો વરસાદ થયેલ છે અને સમગ્ર કચ્છ જીલ્લામાં ખેડૂતોના ઉભા પાકને ખૂબ ભારે નુકશાન થયુ છે ત્યારે સરકારે તાત્કાલીક ખેડૂતોને સહાય જાહેર કરવી જોઇએ અને સતત વરસાદ ચાલુ હોવાને કારણે આજ સુધી પણ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલ છે. કિશાનસંઘ અને ખેડૂતો તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર સરકારને રજૂઆતો કરી છે પરંતુ સરકારના પેટનુ પાણી પણ હલતુ નથી અને જે નિયમો બનાવ્યા છે જેનાથી ખેડૂતોને કોઇ ફાયદો થવાનો નથી.

તાજેતરમાં સરકારે એવો નિયમ બનાવેલ છે કે ૪૮ કલાકની અંદર ૨૫ ઇંચ વરસાદ એકી સાથે પડે તો જ ખેડૂતોને વળતર ચુકવવાનુ પરંતુ પ - ૧૦ ઇંચ વરસાદમાં પણ કચ્છમાં ખૂબ જ મોટી તારાજી થયેલ છે. રસ્તાઓ તૂટી ગયા છે. ખેતરોનો પાક નાશ પામેલ છે અસંખ્ય તળાવો અને ચેકડેમો તૂટી ગયા છે તો રપ ઇંચ વરસાદ એકીસાથે કદાચ કચ્છમાં થાય તો કચ્છની હાલત શું થાય જેની સરકારે વાંધા વચકા કાઢયા વગર તમામ ખેડૂતો માટે સહાય જાહેર કરવી જોઇએ.

અસંખ્ય ફરીયાદો બાદ સરકારે ખેડૂતોની પાકની નુકશાની માટેની સર્વે કરવાની જાહેરાતતો કરી પરંતુ તેમા પણ બુધ્ધિનો ઉપયોગ કરેલ હોય તેવુ જણાતુ નથી અને જાણીબુઝીને સરકાર મદદ કરવા માંગતી નથી અને કચ્છમાં દરેક ગ્રામસેવકોને સર્વે કરવાની જવાબદારી સોપી છે અને ૧૦ દિવસમાં સર્વે કરી અને નુકશાનીનો અહેવાલ સરકારમાં રજુ કરવાનો છે પરંતુ આ સંભવ જ બની શકે તેમ નથી.

કારણ કે દાખલા તરીકે ભીમાસર ગામના એક જ ગ્રામસેવકને ૧૯ ગામના ખેડૂતોની જમીનોની જવાબદારી સોપવામાં આવેલ છે જેને પ થી ૬ દિવસ થઇ ગયા હજુ માત્ર બે નાના ગામ જ સર્વે કરેલ છે. હજુ તમામ મોટા ગામો બાકી છે અને આ રીતે સર્વે કરે તો દિવાળી સુધી પણ સર્વેની કામગીરી પુરી ન કરી શકાય ત્યારે ખેડૂતોને નુકશાનીની સહાય કયારે ચુકવાય અને જે ખેતરોમાં પાક સંપુર્ણ નુકશાન થયેલ છે તેની જગ્યાએ ફરીથી જમીન ખેડી અને બીજી વખત પાક વાવવાનો હોય છે ત્યારે ખેડૂતો સર્વેની રાહ જુએ કે એની જમીનમાં પાકનુ વાવેતર કરે? આટલુ પણ સરકાર સમજતી નથી ત્યારે કચ્છ જીલ્લામાં સાંસદ અને ૪-૪ ધારાસભ્યો ભાજપના હોવા છતા તેઓ માત્ર તાયફાઓ કરી રહેલ છે. કિશાન રથ કાઢી અને પોતાનો પ્રચાર પ્રસાર કરી રહેલ છે ત્યારે તેમની ફરજ છે કે સમગ્ર કચ્છમાં ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ છે જેનુ સર્વે કરવાના બદલે તાત્કાલીક ધોરણે દરેક ખેડૂતોને સહાય જાહેર કરવી જોઇએ નહિતર આ ગતિશીલ ગુજરાતમાં તમામ ખેતરોમાં જઇ અને ગ્રામસેવક નુકશાનીનું સર્વે કરી શકે જે સંભવ જ નથી. એટલુ જ નહિ પરંતુ ખેતીવાડી ખાતાના અધિકારીઓ એમ પણ સરકારને જાણકારી આપેલ કે આ રીતે સર્વેની કામગીરી કોઇપણ હિસાબે સમયમર્યાદામાં કરી શકાશે નહિ તેમ છતા આ સરકાર ગંભીર નથી.

દાખલા તરીકે મારા ભીમાસર ગામમાં ૯૦૦ અને ૧૦૦૦ જેટલા સર્વે નંબરો છે અને હજુ તો સર્વેની કામગીરી શરૂ કરી નથી જયારે એક ગ્રામ સેવક દરેક ખેતરે જઇ ખેડૂતને હાજર રાખવાનો છે તેના ફોટા પાડવાના છે તેના પાકનુ સર્વે કરવાનુ છે ત્યારે એક ગ્રામસેવક નિયમ મુજબ સર્વે કરે તો એક દિવસમાં માત્ર ૧૦ થી ૧૫ જ ખેતરોમાં જઇ સર્વે કરી શકે. ત્યારે એક ગ્રામસેવકને ૧૯-૧૯ ગામો આપેલ છે જે કઇ રીતે સર્વેની કામગીરી પુર્ણ કરી શકે જે ખૂબ જ ચિંતાનો વિષય છે.

કિસાન સંઘ અને ખેડુતો સરકારને રજૂઆત કરવા જાય તો તેના ઉપર ખોટા કેસો કરવામાં આવે છે તેના અવાજને દબાવવામાં આવે છે જયારે ભાજપના મેળાવડાઓમાં અધિકારીઓ ખુદ હાજર રહી અને કોરોનાના જાહેરનામાઓના ખુલ્લેઆમ ભંગ કરે ત્યારે આ નિષ્ઠુર સરકારને કહેવા માંગીએ છીએ કે સર્વેના નાટકબાજી બંધ કરી અને  ૨૫૦% વરસાદને જ અતિવૃષ્ટિ ગણી અને તાત્કાલીક સહાયનુ પેકેજ જાહેર કરે તેવી માંગ છે તેમ કચ્છ જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે.હુંબલે કરી છે.

(11:49 am IST)