Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મંજૂરી વગર સુરેન્દ્રનગરમાં રેલી યોજતા ધારાસભ્ય અને ૨૦૦ સફાઇ કામદારોની અટકાયત

સફાઇ કામદારોના પ્રશ્નો હલ કરવાની માંગણી સાથે પાલિકા કચેરીને નૌશાદભાઇ સોલંકીની આગેવાનીમાં તાળાબંધીનો પ્રયાસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ : સુરેન્દ્રનગર જિલ્લામાં સફાઈ કર્મચારીઓ વિવિધ પ્રશ્ને ઉપવાસ ઉપર ઉતર્યા છે.ત્યારે આ મામલે પાટડી દશાડા ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ મેદાને આવી છે. અને આ સફાઈ કર્મચારીઓના ન્યાય માટે માગણી કરવામાં આવી છે.  આ બાબતે જો સફાઈ કર્મચારીઓના પ્રશ્ન હલ ન થાય તો સોમવારે વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે પ્રસાસન વિભાગ દ્વારા આ રેલીની કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં આવી નથી તે છતાં પણ સફાઈ કર્મચારીઓના પ્રશ્નો પાટડી ધારાસભ્ય નૌસાદભાઈ સોલંકીની આગેવાનીમાં આ રેલી યોજી હતી.

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી આ મહારેલીમાં જોડાયા હતા. ત્યારબાદ સુરેન્દ્રનગર નગરપાલિકા તરફ મહારેલી પ્રસ્થાન કરી હતી. અનુસૂચિત જાતિમાં અતિ પછાત એવા વાલ્મીકી સમાજના સફાઈ કામદારોએ ગુજરાત સહીત સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકાઓના કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પોતાના જીવના જોખમે કોરોના વોરીયર્સ તરીકે નિષ્ઠાથી ફરજ બજાવી છે.

ત્યારે યોદ્ઘાઓ સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકાઓમાં મોટાપાયે શોષણ થઇ રહ્યુ છે. અને તેમાટે ગુજરાતની મોટા ભાગની નગરપાલિકાઓમાં સફાઈ કામદારો પોતાના હક્ક અને અધિકાર માટે નાની મોટી લડતો કરવી પડે છે. જે રાજય સરકાર માટે શરમજનક છે. ગુજરાતમાં વર્ષ ૧૯૯૩થી અત્યાર સુધીમાં અંદાજીત ૧૫૪થી વધુ લોકોગટર સાફ કરતા મૃત્યુ પામ્યા છે. જે આંકડો કાબુમાં લાવી શકયા નથી જેથી ભાજપ સરકારની નિષ્ફળતા ફલિત થાય છે. સફાઈ કામદારોના નીરોના પ્રશ્ન હલ કરવામાં પણ નિષ્ફળ નીવડે છે.તેવું પાટડી ધારાસભ્ય નૌસાદભાઈ સોલંકી એ જણાવ્યું હતું. રેલીની કોઈ પરમીશન પ્રસાસન વિભાગ દ્વારા ન આપવામાં આવ્યો હોવા છતાં સફાઈ કર્મચારીઓએ આ રેલી યોજી હોવાના કારણે જિલ્લાની પોલીસે ૨૦૦ સફાઈ કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી.

આ બાબતે રેલીમાં જોડાનાર સફાઈ કર્મચારીઓ ઉપરાંત પાટડી ધારાસભ્ય નૌસાદભાઈ સોલંકીની પણ અટકાયત કરવા માં આવી હતી. આ ઉપરાંત વઢવાણના જાણીતા વકીલ અને દલિત સમાજના આગેવાન મહેન્દ્રભાઇની પણ અટકાયત કરવામાં આવી હતી તે ઉપરાંત જિલ્લા કોંગ્રેસના કાર્યકરોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

(12:46 pm IST)