Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મોરબી વિધાનસભા ચૂંટણીમાં શિક્ષીત બેરોજગાર યુવાનો ઝંપલાવશે : ૧૨૪ ફોર્મ ઉપડ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૪: રાજયના જીપીએસસી, એલઆરડી સહિતની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પોસ્ટીંગમાટે લડત ચલાવી રહ્યા હોય છતાં સરકાર આંખ આડા કાન કરતી હોય જેથી હવે શિક્ષિત બેરોજગારો ભાજપ વિરુદ્ઘ પેટા ચુંટણી જંગમાં ઝંપલાવવા કમર કસી છે અને આજે મોરબીમાં ૧૨૪ ફીઝીકલ ફોર્મ ઉપડ્યા છે તો ૫૮ ઓનલાઈન સહીત ૧૮૨ ઉમેદવારો ચુંટણી જંગમાં ઉભા રહેશે એટલું જ નહિ ભાજપ વિરુદ્ઘ પ્રચાર પણ કરશે.

દિનેશ બાંભણીયાની આગેવાનીમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના યુવાનોએ કરેલી જાહેરાત મુજબ આજે મોટી સંખ્યામાં પેટા ચુંટણી ફોર્મ લેવા તાલુકા સેવા સદન ઉમટી પડ્યા હતા જેથી પોલીસનો પણ વધુ બંદોબસ્ત ખડકાયો હતો દિનેશ બાંભણીયા સાથે ૧૨૪ યુવા શિક્ષિત બેરોજગાર યુવાનો ફોર્મ લેવા આવ્યા હતા અને પેટા ચુંટણીના ફોર્મ ઉપાડ્યા હતા એટલું જ નહિ હજુ ૫૮ ઉમેદવારો ઓનલાઈન ઉમેદવારી નોંધાવશે અને મોરબી પેટા ચુંટણી જંગમાં ભાજપ વિરુદ્ઘ ૧૮૨ ઉમેદવારો મેદાને ઉતારવાનું જે એલાન કર્યું હતું તે દિશામાં પગલા ભરવામાં આવી રહ્યા છે તે ઉપરાંત ભાજપ વિરુદ્ઘ પ્રચાર કરાશે અને યુવાનોને ન્યાય નહિ મળે ત્યાં સુધી લડત આપવાનો મક્કમ નિર્ધાર પણ વ્યકત કરાયો હતો.

મોરબી-માળિયા વિધાનસભાની પેટા ચુંટણી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહેવાની છે તો બીજી તરફ ફોર્મ ઉપાડવામાં પણ ભારે દ્યસારો જોવા મળે છે આજે પેટા ચુંટણી માટેના ફોર્મ મેળવવા યુવાનોએ લાઈનો લગાડી હતી અને એક જ દીવસમાં ૧૪૧ ફોર્મ ઉપડ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

(11:25 am IST)