Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જામનગરમાં સર રણજીતસિંહના નામથી સ્‍પોર્ટસ મ્‍યુઝીયમ બનશેઃ રૂપાણી

જામનગરમાં ૩ાા કિ.મી.નો પૂલ બનશેઃ કોંગ્રેસના વખતમાં ચૂંટણી સમયે ખાતમુહુર્ત થતા-અગાઉ કેન્‍દ્રથી આવેલા નાણા લોકોના હાથમાં આવે તે પહેલા જ ખવાઈ જતાઃ જામનગરમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું વિજયભાઈના હસ્‍તે ખાતમુહુર્ત-લોકાર્પણ

જામનગરઃ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે આજે જામનગરમાં ૫૭૭.૭૬ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવ્‍યુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૫ :. જામનગરમાં સર રણજીતસિંહના નામથી સ્‍પોર્ટસ મ્‍યુઝીયમ બનાવવાની જાહેરાત આજે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે કરી હતી. ગુજરાતનું સૌ પ્રથમ સ્‍પોર્ટસ મ્‍યુઝીયમ જામનગરમાં બનશે તેમ જણાવ્‍યુ હતું.

જામનગર ખાતે આજે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે રૂા. ૫૭૭.૭૬ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્‍યુ હતું.

આ તકે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્‍યુ હતુ કે અગાઉ કેન્‍દ્રથી આવેલા નાણા લોકો સુધી પહોંચે તે પહેલા ખવાઈ જતા હતા. કોંગ્રેસના વખતમાં માત્ર ચૂંટણી વખતે જ ખાતમુહુર્ત કરવામાં આવતા હતા. જ્‍યારે ભાજપ સરકાર ખાતમુહુર્તના બીજા જ દિવસે કામ શરૂ કરી દે છે. અગાઉ રાજ્‍યનું બજેટ ૮ થી ૯ હજાર કરોડ હતુ જ્‍યારે રાજ્‍ય સરકાર હવે એક મંચ ઉપરથી જ ૫૦૦ અને ૧૦૦૦ કરોડના કામોના લોકાર્પણ કરે છે. ૨.૧૦ હજાર કરોડનું બજેટ ભાજપ સરકારે મુકયુ હતું.

વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્‍યુ હતુ કે કોરોના કાળમાં પણ ૨૫૦૦૦ કરોડના વિકાસકાર્યો કરવામાં આવ્‍યા છે. જામનગરના લોકો માટે સૌરાષ્‍ટ્રનો સૌથી મોટો પૂલ બનશે. જેની લંબાઈ ૩ાા કિ.મી. હશે. પીવાના પાણીનો દુષ્‍કાળ હવે ભૂતકાળ બની ગયો છે. નર્મદાની પરિક્રમાથી પૂણ્‍ય મળે છે. નર્મદાનું પાણી શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારો સુધી પણ પહોંચી ગયુ છે. નેવાના પાણી મોભે ચડાવ્‍યા, મોદી હૈ તો મુમકીન હૈ તેમ જણાવ્‍યુ હતું.

વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્‍યુ કે ગુજરાત હવે ફાટકમુકત તરફ જઈ રહ્યુ છે. રેલ્‍વે ટ્રેક હોય તો ત્‍યાં અન્‍ડર કે ઓવરબ્રીજ બનાવવાનું આયોજન રાજ્‍ય સરકાર દ્વારા કરવામાં આવ્‍યુ છે. સુરક્ષિત ગુજરાત બનાવવાનું આયોજન કરવામાં આવ્‍યુ છે અને ગુંડા એકટ હેઠળ ૬ મહિનામાં જ કાર્યવાહી કરીને આ પ્રશ્નનો નિકાલ લાવીશું. ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે.

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્‍યુ હતુ કે આવતીકાલથી ૧૬૧ જગ્‍યાએ કોરોના વેકસીન આપવામાં આવશે અને કોરોના રોગચાળામાંથી મુકિત મેળવવા માટે કામગીરી કરવામાં આવશે. જામનગરના અણઉકેલ પ્રશ્નો મારા ધ્‍યાન પર છે. કોઈને અમારી સરકાર છોડશે નહિ તેમ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્‍યુ હતું.

આ તકે રાજ્‍યમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધનસુખભાઈ ભંડેરી, વસુમતીબેન ત્રિવેદી, રાઘવજીભાઈ પટેલ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:21 pm IST)