Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ટંકારાના હડમતિયાનાં વિધવા માતાના પુત્ર હિતેષ ડાકાની સિધ્‍ધી : ગુજરાતના કલાસવન અધિકારી બન્‍યા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૧૫: ટંકારાના હડમતિયામાં નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલી ત્રણ દિકરીઓ અને એક પુત્રની અભણ વિધવા માતાએ સંતાનોને માસ્‍ટર ડિગ્રી અપાવી માનવ સમાજમાં પિતા વિનાના બાળકોને જીવનમાં કપરી પરિસ્‍થિતમાં મક્કમ મનોબળ રાખીને ધ્‍યેય પ્રાપ્તિ સુધી પહોચવામાં પ્રાણવાયુનો સંચાર કરતો સત્‍ય હકિકત દર્શાવતો કિસ્‍સો સામે આવ્‍યો છે

ટંકારાના હડમતિયા ગામના લેઉવા પટેલ પરિવારમાં છ વ્‍યક્‍તિનું કુટુંબ ધરાવતા હર્યાભર્યા પરિવારમાં મોભી સમાન પિતા જેરાજભાઈ દેવાભાઈ ડાકાનું ૧૯૯૨ માં માર્ગ અકસ્‍માતમાં કરુણ મોત નિપજયું હતું ત્‍યારે નાનકડું ગામ પણ શોકમગ્નમાં ગરકાવ થઈ ગયું હતું પરિવારમાં માતા સહિત ત્રણ દિકરીઓ અને એક પુત્ર પર જાણે આભ તુટી પડ્‍યું હોય તેમ જેમની મોટીપુત્રી દક્ષાબેન ઉં-૬ વર્ષ,બીજીપુત્રી રશ્‍મિતાબેન ઉં-૪ વર્ષ, ત્રીજા ક્રમે પુત્ર હિતેષ ઉં-૨ વર્ષ, અને ચોથા ક્રમે પુત્રી પુનમબેન ઉં-૩ માસ હતી ત્‍યારે પિતાની છત્રછાયા, તો પત્‍નીએ સેંથાનું સિંદૂર ગુમાવ્‍યું હતું. પરિવાર પર આવી પડેલી કપરી પરિસ્‍થિતીનો માતા અને દિકરીઓએ સમય સાથે બાથ ભીડીને સામનો કર્યો હતો. જેમની ઉંમર માતાનો ખોળો ખુંદવાની હતી તેવા સમયે અભણ માતાને ખેતીકામમાં મદદ કરી આ ત્રણે બહેનોએ નાનકડા ભાઈનું પણ જતન કરવામાં પાછી પાની ન કરી અભ્‍યાસની સાથે ઘરની જવાબદારી પણ એટલી જ હતી. માતા અનસોયાબેન ડાકા કાળી રાત્રીના સમયે વન્‍યપ્રાણીઓના ડર વિના કડકડતી ઠંડીમાં ખેતરમાં પાણી વાળીને પોતાના સંતાનોને ભણાવ્‍યા. સમય જતા વયષ્‍ક થયા અને અભ્‍યાસમાં ત્રણ દિકરીઓમાં પ્રથમ દક્ષાબેન M.A.B.ed, બીજી રશ્‍મિતાબેન M.A. ત્રીજી પુનમબેન B.A. P.T.C. અને નાનકડો ભાઈ હિતેષ B.E. Engineering ની પરીક્ષા પાસ કરી. હાલ અનશોયાબેન ડાકાઅ એ ત્રણે પુત્રી ઓને સાસરે વળાવી સસરાપક્ષ તેમજ ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજમા પણ મોભો ઉંચો રાખ્‍યો છે. કહેવાય છે કે માતાની અંતઃનાભીથી નિકળેલ આશિર્વાદ વિફળ જતા નથી તેમ અભણ અને સાણી માતાને ખબર હતી કે મારા સંતાનનો ઉદ્ધાર શિક્ષણ થકી જ થશે ત્‍યારે અભણ માતાએ પુત્રને આશિર્વાદ આપતા કહ્યું હતું કે...બેટા તું મોટો ઈજમેર (ઈજનેર) બનીશ આ અભણ માતાની મુખે નિકળેલ ઈજમેર નહી પણ ઈજનેરના આશિર્વાદ કુદરતે સાંભળી લીધા હોય તેમ પુત્ર હિતેષભાઈ હાલ જીપીએસસી એક્‍ઝામ કોલેજના કેમ્‍પસ બાદ એસ્‍સાર જેવી મોટી કંપનીમાં નોકરી કરી અને ગુજરાત ગવર્મેન્‍ટની અનેક પરીક્ષાઓ આપ્‍યા બાદ આજે ક્‍લાસ- ૧ અધિકારી તરીકે કાર્યપાલક ઈજનેર વર્ગ -૧ ની પરીક્ષા ઉતિર્ણ કરી વિધવા માતાનું સ્‍વપ્‍ન સાકાર કર્યું. ત્‍યારે મને એક સુપ્રસિદ્ધ હિન્‍દી ફિલ્‍મ ‘મધર ઈન્‍ડિયા' ના સોંગની પંક્‍તિ જરુર યાદ આવે.

‘દુઃ ખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે, રંગ જીવનમા નયા લાયો રે,દેખ રે ઘટા ઘીર કે આયી, રસ ભર ભર લાયી'

આમ વર્તમાન સમાજમાં એક અભણ માતાએ એકના એક પુત્રનું જતન કરી આપણી ગુજરાતી કહેવત અનુશાર ર્‘ંનારી તું નારાયણી' અથવા તો ‘નારી તું ના હારી' કહેવતને સાર્થક કરતો કિસ્‍સો અને પિતા વિનાના બાળકોને સત્‍ય હકિકત દર્શાવતો કિસ્‍સો પ્રાણવાયુ બનીને આજના મકરસંક્રાતિના દિવસે માનવ સમાજને ઓક્‍સિજન તરીકે પ્રાણવાયુનો સંચાર કર્યો છે.

અનસોયા બહેનને જીવનમા શિક્ષણ તો નથી સાપડ્‍યું પરંતુ જીવનમા શિક્ષણનું કેટલું મહત્‍વ છે તે બહુજ સારી રીતે જાણે છે અને અનશોયા બહેને પ્રત્‍યક્ષ અનુભવ્‍યું પણ છે.

(1:36 pm IST)