Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જામનગર જીલ્લામાં કોરોના પોઝીટીવ સૌથી નાનુ બાળક એક વર્ષનું હતું : એક વર્ષમાં ૫૧ નવજાત બાળકોની સર્જરી

૮ હજાર નવજાત બાળકોને જન્‍મ સમયે સારવાર : ગંભીર તકલીફો માટે દાખલ ૩ હજાર નવજાત શિશુઓને ઇન્‍ટેન્‍સિવ કેર અપાઇ : બાળકોના માતા-પિતા બનીને સારવાર કરતા બાળરોગ નિષ્‍ણાંત તબીબો : બાળકોને દત્તક આપવાની કામગીરીમાં બાળરોગ નિષ્‍ણાંતો દ્વારા થતી વિશેષ કામગીરી : સરકારી કોવિડ હોસ્‍પિટલમાં ૧૨ વર્ષ સુધીના ૩૬ બાળકોને સારવાર અપાયા બાદ સ્‍વસ્‍થ થયા : શ્વાસની બિમારી ધરાવતા ૨૧૧ ગંભીર બાળકોને પણ સારવાર અપાઇ : થેલેસેમિયા ગ્રસ્‍ત ૩૦૦થી વધુ બાળ દર્દીઓનું વિનામૂલ્‍યે કરાતુ બ્‍લડ ટ્રાન્‍સ્‍ફયુજન

જામનગર તા.૧૫:  જામનગરમાં અમારી જિલ્લાકક્ષાની સરકારી કોવિડ હોસ્‍પિટલમાં ૧૨ વર્ષ સુધીના ૩૬ કોવિડ પોઝિટિવ બાળકોને સારવાર અપાઇ હતી. કોરોના પોઝિટિવ સૌથી નાનું બાળક એક વર્ષનું હતું. આ ઉપરાંત જે કોરોનાગ્રસ્‍ત માતાઓની કોવિડ હોસ્‍પિટલમાં પ્રસુતા થઇ હોઇ તેવા માતાના નવજાત બાળકોનું પણ સ્‍ક્રીનીંગથી લઇને સારવાર કરાઇ હતી. છેલ્લા એક વર્ષમાં કુલ ૨૧૧ SARI(શ્વાસની બિમારી ધરાવતા ગંભીર) બાળ દર્દીઓની પણ સારવાર આપવામાં આવી છે. તેમ જામનગરની જી.જી.હોસ્‍પિટલના પૂર્વ તબીબી અધિક્ષક અને પિડિયાટ્રિક(બાળકો) વિભાગના વડા પ્રોફેસર ડો.ભદ્રેશ વ્‍યાસ દ્વારા જણાવાયું છે.

 કોવિડ હોસ્‍પિટલના પિડિયાટ્રિક (બાળકો)ના વિભાગના નોડલ ઓફિસર ડો.મૌલિક શાહ અને ડો.નમ્રતા મકવાણા કહે છે કે, ૧૪ માસથી લઇને બાર વર્ષ સુધીના ૩૬ બાળકો કોરોનાની મહામારીને હરાવી છે. આ તમામ ૩૬ બાળકોને અમે સરકારી સારવાર દ્વારા સાજા કરીને ઘરે મોકલ્‍યા છે. જોકે બાળકોમાં કોરોનાનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્‍યુ છે. હા, જામનગરમાં સૌ પ્રથમ કોરોનાનો ભોગ બનનાર બાળક જ હતો. બાળકોના માતા-પિતાએ પણ પોતાના સંતાનો સાજા થયાનો રાજીપો વ્‍યકત કર્યો હતો.

આ સિવાય કોવિડના શરૂઆતના સમયમાં ડો.મૌલિક શાહ અને ડો.નમ્રતા મકવાણા ખાસ પી.પી.ઈ કીટ ‘કવચ'ના ડિઝાઈન અને સંશોધનમાં અગત્‍યનો ભાગ ભજવેલો. સંસ્‍થાના ૩૦૦થી વધુ ડોક્‍ટરો, નર્સિગ સ્‍ટાફ અને હેલ્‍થ કેર વર્કરને તેમણે કોવિડ રોગથી બચાવ અંગે ખાસ તાલીમ આપી હતી.

નવજાત શિશુ વિભાગના બાળરોગ નિષ્‍ણાંત ડો.મૌલિક શાહ અને ડો.ત્રિયા માલદે કહે છે કે, ગાયનોકોલોજીસ્‍ટ દ્વારા સગર્ભાની પ્રસુતિનું કામ પૂરું થયા બાદ નવજાત બાળકોની સારવારનું કામ અમારા પિડિયાટ્રિક વિભાગના તબીબો દ્વારા કરવામાં આવતું હોય છે. ઝીરોથી લઇ એક વર્ષ સુધીના ૩૦૦૦ જટેલા બાળકોની સારવાર નવજાત શિશુ વિભાગમાં થઇ ચૂકી છે. અલગ અલગ બિમારી ધરાવતા ૫૧ નવજાત બાળકોની સર્જરી છેલ્લા એક વર્ષમાં કરવામાં આવી છે. તાજેતરમાં જ એક તાજા જન્‍મેલા બાળકની શ્વાસનળી અને અન્નનળી જોડાયેલી હતી. આ બંને નળીને અલગ કરવાનું સફળ ઓપરેશન અહીની જ સર્જરી વિભાગના સર્જન દ્વારા કરાયુ હતું. જો આ ઓપરેશન ન થાત તો બાળક લાંબુ જીવી ન શકત.

અધૂરા માસે જન્‍મેલા પ્રિમેચ્‍યોર્ડ બાળકોને ફેફસાને કાર્યરત રાખવા રૂ.૧૫ હજારની કિંમતનું સફ્રેકટન્‍ટ નામનું ઇંજેકશન વિનામૂલ્‍યે રાજય સરકાર દ્વારા નવજાત બાળકોના લાભાર્થે પૂરા પાડવામાં આવે છે. નવજાત બાળક બહુ નાજુક હોય છે, એમની સારવાર માટે જરૂરી અધતન સાધનો જેવા કે વેન્‍ટિલેટર, સી.પેપ. ફોટો થેરપી વગેરે બાળકોના વિભાગમાં ઉપલબ્‍ધ છે. અધૂરા માસે જન્‍મેલા બાળકો કાચા હોય છે. જેથી તેમને પેટી(ટ્રાન્‍સપોર્ટ ઇન્‍કયુબેટર)માં રાખી ઓપરેશન માટે ઓપરેશન થીયેટર કે બહારગામ મોકલવામાં આવે છે. અધૂરા માસે જન્‍મેલા બાળકોની આંખોના વિકાસ માટે રાઝુમેબ નામનું રૂ.૧૮ હજારની કિંમતના ઇંજેકશનો નિઃશૂલ્‍ક આપવામાં આવે છે. બાળકોની આંખના વિશેષ ડો.રૂચિર મહેતા ખાસ આ સારવાર આપે છે.

આમ વિદેશમાં હોય તેવી તમામ સારવાર સરકારી હોસ્‍પિટલમાં આપવામાં આવે છે. હોસ્‍પિટલમાં બાળકોના માતા-પિતા બની નવજાત શિશુ વિભાગના બાળરોગ નિષ્‍ણાંત તબીબો, નર્સો દ્વારા સારવાર કરવામાં આવે છે.

બાળ રોગ વિભાગ ખાતે ડો.સોનલબેન શાહની માર્ગદર્શન હેઠળ ખેંચના લગભગ ૩૦૦૦ બાળદર્દી, હિમોફિલિયાના ૪૮ દર્દી, ગ્રોથ હોર્મોન તકલીફના ૨૪ દર્દી, ડાયાબિટીસ ધરાવતા ૧૫૦થી વધુ દર્દીઓને અત્‍યંત મોંઘી દવા અને ઈંજેકશન વિનામૂલ્‍યે સરકારી યોજના હેઠળ પ્રતિવર્ષ અપાય છે.

ડો.હેમાંગીની ખરાડીના માર્ગદર્શન હેઠળ થેલેસેમિયા વોર્ડ ખાતે અંદાજે ૩૦૦ થી વધુ બાળ દર્દીઓને બ્‍લડ-ટ્રાન્‍સ્‍ફ્‌યુજન કરે છે. થેલેસેમિયાગ્રસ્‍તોને જીવનભર દવાઓ વિનામૂલ્‍યે અપાય છે, તેમના ઓપરેશન વિનામૂલ્‍યે થાય છે અને તેઓનું મોનિટરિંગ સતત તબીબો દ્વારા કરવામાં આવે છે.

કોવિડ કાળમાં પણ લગભગ ૨૨ હજારથી વધુ બાળકોને મફત ગુણવત્તા સભર રસીકરણ ડો.કિંજલ કણસાગરા અને ડો. ઉત્‍કર્ષ પંડયાના માર્ગદર્શન હેઠળ આપવામાં આવ્‍યું હતું.

માનસિક વિકાસ અને અન્‍ય સ્‍વભાવગત તકલીફો ધરાવતા લગભગ ૨૫૦૦થી વધુ બાળકોની સારવાર ડો. જયમિન ખરાડી અને ડો. સ્‍મિતા શાહના માર્ગદર્શન હેઠળ DEIRC વિભાગ ખાતે કરવામાં આવે છે. ડો. નમ્રતા મકવાણાના માર્ગદર્શન હેઠળ અંદાજે ૨૫૦૦ જેટલા બાળકોની હ્રદયની તકલીફો માટે ઇકોકાર્ડિયોગ્રાફી અને સારવાર કરાઇ હતી.

પિડિયાટ્રિક વિભાગના મદદનીશ પ્રાધ્‍યાપક ડો.ઈશાની પોપટ અને ડો.દેવાંગી કનાડા દ્વારા કૂપોષિત બાળકોના આહાર અને આરોગ્‍ય માટે વિભાગના ન્‍યુટ્રિશન રિહેબિલિટેશન સેન્‍ટર ખાતે ૩૦૦થી વધુ બાળકોને ખાસ સારવાર અપાઈ હતી.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલ, કલેકટરશ્રી રવિશંકર, ડિન ડો નંદિની દેસાઇ, તબીબ અધિક્ષક ડો.દિપક તિવારી વગેરેના સહકારથી બાળકોના વિભાગમાં અધતન આઇસીયુ, બાળકો માટે ૧૦૮ વેન્‍ટિલેટર, ઓકિસજન સુવિધા તો છે જ. સાથો સાથ મૂવેબલ(હરીફરી શકે) તેવુ એકસરે-સોનોગ્રાફી મશીન પણ છે. જેથી નવજાત કે ગંભીર બાળકોના ખાટલા-બેડમાં જ બાળકની સમગ્ર તપાસ થઇ જાય છે. લાખો રૂપિયાના ખર્ચે સરકારે આ સાધનો ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સરકારી હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ કરાવ્‍યા છે. ૪૫૦ જેટલા બાળકોને સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટની સારવાર માટે રિફર પણ કરાયા છે. તેમ એસો.પ્રો.ડો.મૌલિક શાહે જણાવ્‍યુ હતું.

બાળકોના વિભાગના વડા પ્રોફેસર ડો.ભદ્રેશ વ્‍યાસના વડપણ હેઠળ જામનગર શહેરના તરછોડાયેલા-ઉકરડા સહિતના જગ્‍યાએથી મળેલા ૧૯૩૬ જેટલા બિમાર અને નિરાધાર બાળકોને સારવાર બાદ તંદુરસ્‍ત બનાવી બાળ વિકાસ ગૃહમાં મોકલવામાં આવ્‍યા છે. જી.જી.હોસ્‍પિટલના બાળ રોગ નિષ્‍ણાતો પોતાની ફરજ ઉપરાંત નૈતિક - સામાજિક જવાબદારીના ભાગરૂપે આવા તરછોડાયેલા બાળકોને વિધીસર દતક આપવાની પ્રક્રિયામાં પણ સહભાગીતા આપી છે. આ વિભાગ દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓની સાથે રાજયમાંથી આવતાં નર્સિંગ સ્‍ટાફ, મેડિકલ ઓફિસર, આંગણવાડી વર્કરને આરોગ્‍યને લગતી જુદી જુદી તાલીમો આપીને તૈયાર કરવામાં આવે છે. વિભાગ દ્વારા સ્‍કૂલ હેલ્‍થ, રસીકરણ, તરુણાવસ્‍થા કલીનિક જેવા સરકારના પ્રોગ્રામ સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે. આરોગ્‍યને લગતી જુદી જુદી ઇન્‍સ્‍ટિટ્‍યૂટ સાથે સંશોધન - રીસર્ચ કરેછે. જેથી આરોગ્‍ય પોલિસીમાં બાળ આરોગ્‍યને વધારે તંદુરસ્‍ત કરી શકાય છે.

(1:41 pm IST)