Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મોરબી જિલ્લા મધ્‍યસ્‍થ કાર્યાલયનો શુભારંભ : રામ મંદિર નિર્માણ માટે ૧ કરોડથી વધુની રાશી એકત્ર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : રામજન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામજન્‍મભૂમિ અયોધ્‍યા પર રામમંદિર નિર્માણના નિધી સમર્પણ મહા અભિયાનના મોરબી જીલ્લાના મધ્‍યસ્‍થ કાર્યાલયનો વિધિવત શુભારંભ કરવામાં આવ્‍યો હતો.

આ પ્રસંગે ઉદ્‌ઘાટક તરીકે કબીર આશ્રમનાં મહંત શિવરામદાસજી તથા ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસજી, રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો જયંતિભાઈ ભાડેસીયા, રામનારાયણભાઈ દવે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે આશીર્વચન પાઠવતા શિવરામદાસજીએ રામમંદિર નિર્માણ અંગે આનંદ વ્‍યક્‍ત કરી આ અભિયાનને સફળ બનાવવા યોગ્‍ય સમર્પણ માટે આહ્વાન કર્યું હતું.

તો ડો. ભાડેસીઆએ રામજન્‍મભૂમિના ઈતિહાસ તે માટે કરેલા સંઘર્ષો અને વિવિધ કારસેવકોના બલિદાનને યાદ કર્યા હતા સાથોસાથ આ અભિયાનના માધ્‍યમથી લોકોમાં રામત્‍વની જાગૃતિ અને મંદિર નિર્માણમાં સામાન્‍ય જનના સમર્પણ તથા તેના દ્વારા થતા ભાવાત્‍મક જોડાણને મહત્‍વનું માન્‍યું હતું.

આ પ્રસંગે સંતોના હસ્‍તે રામભક્‍ત કારસેવકોનું સન્‍માન સ્‍મૃતિ અર્પણ કરી તેઓનું વિશિષ્ટ સન્‍માન કરી આંદોલનમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવ્‍યું હતું. સાથોસાથ રામમંદિર નિર્માણ માટે સમર્પણ અભિયાનના પ્રથમ દિવસે જ રૂ ૧ કરોડ જેટલી સમર્પણ નિધી એકત્ર થયેલી હતી. જેમાં યુવા અગ્રણી અજયભાઈ લોરીયા દ્વારા ૨૧ લાખ જાણીતા ઉધોગપતિ જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ, જયદીપ એન્‍ડ કંપની વાળા દિલુભા તથા જયુભા, સીરામીક એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ભાલોડિયા આ તમામ દ્વારા ૫૫૫૫૫૫ રૂા. તથા ડો. જયંતિભાઈ ભાડેસીઆ દ્વારા ૫૧૧૧૧૧ સહિત અનેક દાતાઓએ રૂા. ૧ લાખ થી વધુ સમર્પણ રાશી અર્પણ કરી હતી. આ તમામ આગેવાનોનું પણ સંતોના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(12:57 pm IST)