Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કાલથી ચોટીલા ચામુંડા માતાજીના સાનિધ્યમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે નવરાત્રી ઉત્સવ

સરકારની ગાઇડલાઇન મુજબ ફકત દર્શન કરી શકાશે : ભોજન પ્રસાદ બંધ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૧૬ : નવરાત્રીના પવિત્ર તહેવારની શકિત પીઠ રૂપી ચોટીલા ચામુંડા ડુંગર ઉપર ઉજવણી કોવીડ ૧૯ ને અનુલક્ષીને થશે.

આ અંગે ડુંગર ટ્રસ્ટનાં જણાવ્યા અનુસાર તા. ૧૭ નાં સવારે ૭.૩૦ના શુભ મુહૂર્તે કળશ અને ઝવેરા સ્થાપન વિધી કરી નવરાત્રી મહોત્સવ નો શુભારંભ થશે.

નવરાત્રી દરમિયાન વહેલી સવારે નીચેનો મુખ્ય ગેઇટ ૪.૩૦ કલાકે તેમજ ઉપરનો ગર્ભગૃહનો મુખ્ય ગેઇટ ૫ૅં૦૦ કલાકે ખોલવામાં આવશે.

નવરાત્રીના દરમિયાન ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા દરેક માઈ ભકતોએ ફરજીયાત કોરોના સામેની સાવચેતીના તમામ નિયમોનું ફરજીયાત પાલન કરવુ પડશે.

પ્રથમ પગથીયે સેનીટાઈઝરની વ્યવસ્થા રાખવામાં આવશે તેમજ માસ્ક ફરજીયાત પહેરવાનું તેમજ શોશ્યલ ડીસ્ટન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

નવ દિવસ દરમિયાન માતાજીની પ્રતિમાને દરરોજ અલગ અલગ આભૂષણો અને વસ્ત્રોથી શણગાર કરી નવ દિવસનાં નવ રૂપનાં યાત્રિકોને દર્શન કરવા મળશે.

કોરોના સમયની શરૂઆતના લોકડાઉનથી ભોજનાલયમાં પ્રસાદ બંધ રાખવામાં આવેલ છે. જે નવરાત્રીમાં પણ બંધ રહેશે. જયારે માઇભકતો જે પ્રસાદ લાવે તે તેમના જ હાથે પાળે સ્પર્શ કરી માતાજીને ધરવાની શ્રધ્ધા પુર્ણ માનવી પડશે.

એક નોરતા ની ઘટ હોવાથી માતાજીની આઠમ ૨૩/૧૦ ને શુક્રવારના ઉજવવામાં આવશે.

ડુંગર ઉપર મંદિર નીચેથી ઉપર સુધી રોશનીનો ઝળહળાટ કરાશે ત્યારે ૬૫ વર્ષથી મોટા અને નાના બાળકોએ શકય હોય તો આ સમયમાં દર્શનાર્થે આવવાનું અટકાવી ઘરે જ માતાજીની આરાધના અને ભકિત કરવી જોઇએ તેવી વિનંતી ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.

(11:43 am IST)