Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ

નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ બી.જાડેજાના એકના એક પુત્ર-પત્ની અને બે પુત્રીઓને પૃથ્વીરાજસિંહ જાડેજાને ગોળી મારતા જીવ કેમ ચાલ્યો હશે? ક્ષણીક આવેશમાં પરિવારનો માળો વિખાયો

 

આવેશમાં આવી જઇ પત્ની અને બે લાડલી દિકરીઓને ગોળી મારી પોતે પણ ગોળી ખાઇ આપઘાત વહોરી લેવાનો બનાવ ભાવનગરમાં બનતા ખળભળાટ મચી ગયો છે. આર્થિક સંપન્ન એવા નિવૃત પોલીસ અધિકારીના પુત્રનો પરીવાર ક્ષણીક આવેશમાં વિખેરાઇ ગયો છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૧૭: ભાવનગરમાં કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા એવા નિવૃત ડીવાયએસપીના એકના એક પુત્રએ તેના પત્ની અને બે દિકરીઓની પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી હત્યા કરી બાદમાં પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચારેયના મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે.આર્થિક રીતે સંપન્ન એવા પરિવારનો માળો વિખેરાતા ભારે કરૂણાંતીકા સર્જાઇ છે. આ બનાવ અંગે મૃતક પૃથ્વીરાજસિંહ જાડેજા વિરૂધ્ધ તેના સાળાએ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભારે ચર્ચાસ્પદ બનેલા આ બનાવની પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના વિજયરાજનગર પ્લોટ નં. ૬ર૯ માં રહેતા નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ બી.જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) એ ગઇકાલે સાંજે તેના મિત્રોને મોબાઇલમાં મેસેજ કરી પોતે આપઘાત કરી રહયો છે અને ઘરના બારણા ખુલ્લા છે તેવો મેસેજ વાયરલ કરી બંગલાના ઉપરનાં માળે રહેલ તેમની બે દિકરીઓ નંદીનીબા (ઉ.વ.૧પ) તથા યશસ્વીબા (ઉ.વ.૧૧)ને માથાના ભાગે ગોળી મારી પછી મકાનના નીચા ભાગે આવી તેમના પત્ની બીનાબા (ઉ.વ.૩૩)ને પણ માથાના ભાગે ગોળી મારી નજીકનાં બેડરૂમની પાછળ રહેલા પાલતુ કુતરા ડોગીને પણ ગોળી મારી પોતે હોલમાં સોફા પર બેસી લમણે ગોળી મારી દેતા ચારેયના મોત નિપજયા હતા.

દરમ્યાન મેસેજ વાચી તેના મિત્રો અને સગા સબંધી દોડી આવ્યા હતા. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો અને ચારેયના મૃતદેહો પડયા હતા. આ બનાવની જાણ થતા જ પોલીસ અધિકારીઓ સહીતનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

બે-બે દિકરીઓ અને પત્નીને મારી આપઘાત કરનાર પૃથ્વીરાજસિંહ જાડેજા તેના પિતાના એક માત્ર પુત્ર હતા.

મૃતકની મૃતક દિકરી નંદીનીબા રાયફલ શુટીંગમાં ચેમ્પીયન તેમજ અભ્યાસમાં પણ હોશીયાર હતી. જયારે મૃતકના મૃતક પત્ની બીનાબા જાડેજા રાજપૂત કરણી સેનાનાં ભાવનગર જીલ્લાનાં મહિલા પ્રમુખની જવાબદારી સંભાળે છે.

નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ બી. જાડેજાનું મુળ વતન કાલાવડ તાલુકાનું કાલમેઘડા ગામ છે અને તેનો નિવૃતી બાદ વતનમાં જ રહે છે. તેઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ પણ મળેલ છે. આ બનાવની જાણ થતાં તેના પર દુઃખનાં પહાડ તુટી પડયા છે. આ બનાવ અંગે મૃતક પૃથ્વીરાજસિંહના સાળા સુખદેવસિંહ વનરાજસિંહ ગોહીલે  એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મૃતક પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રદ્યુમનસિંહ જાડેજા વિરૂધ્ધ કોઇ કારણોસર પત્ની અને બે દિકરીઓની ગોળી મારી હત્યા કરી આત્મહત્યા કરવા અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પી.આઇ. એ.બી.સીસોદીયા ચલાવી રહયા છે.

આપઘાત કરતા પહેલા ક્ષણીક આવેશમાં આવી જઇ માસુમ દિકરીઓ અને પત્નીને પણ શા માટે ગોળી મારી હશે અને કેમ જીવ ચાલ્યો હશે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

એક વર્ષ પહેલા પૃથ્વીરાજસિંહે લાયસન્સ કઢાવીને રિવોલ્વર ખરીદી'તીઃ પિતાએ ના પાડી'તી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૧૭: એક વર્ષ પહેલા પૃથ્વીરાજસિંહએ રીવોલ્વરનું લાયસન્સ કઢાવી રીવોલ્વર ખરીદી હતી ત્યારે તેના પિતાએ ના પાડી હતી અને બાદમાં તેમનું લાયસન્સ પોતે લઇ લીધું હતું.

વતનમાં મોટી જમીન ધરાવતા નિવૃત અધિકારીના પુત્રએ આવેશમાં આવી જઇ પત્ની અને દિકરીઓને મારી જીવનલીલા સંકેલી લેતા ખળભળાટ મચી ગયો છે.

(11:59 am IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST