Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સૌરાષ્ટ્રમાં 'ખડમોર' પક્ષીની સેટેલાઇટ ટેલિમેટ્રી

વન વિભાગ દ્વારા પ્રથમવાર પક્ષીઓ પર પટીટી ટેગ લગાડાઇ : હાલમાં તેની કુલ વસ્તી ૭૦૦થી પણ ઓછી હોવાનો અંદાજ છે : ટેગીંગથી ખડમોરના સ્થળાંતર વસવાટ વ્યાપ સહિતની માહિતી મળશે : ખડમોર સૌથી નાનુ અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે

આટકોટ - જૂનાગઢ તા.૧૭ : વન વિભાગ દ્વારા પ્રથમવાર પક્ષીઓ પર પીટીટી ટેગ લગાડવામાં આવી છે. બસ્ટાર્ડ કુળના ખડમોર પક્ષી પર આ ટેગ લગાડવામાં આવી છે. આ ટેગિંગની મદદથી ખડમોરનાં સ્થળાંતર,વસવાટ સ્થાનની પસંદગી, પક્ષિનો વ્યાપ વિસ્તાર વગેરે જેવી બાબતોની માહિતી સરળતાથી મળી શકશે.ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે.અને હાલમાં તેની કુલ વસ્તી ૭૦૦ થી પણ ઓછી હોવાનો અંદાજ છે.

ગુજરાત રાજયમાં બસ્ટાર્ડ કુળના કુલ ત્રણ પ્રકારના પક્ષીઓ – ઘોરાડ (ગ્રેટ ઇંડિયન બસ્ટાર્ડ). ખડમોર (લેસર ફલોરિકન) અને મેકવિન્સ બસ્ટાર્ડ (હૂબારા)નો વસવાટ છે. આ ત્રણ પૈકી ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે. આઇયુસીએનની યાદી અનુસાર તેને ભયગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે. આ પક્ષીની વૈશ્વિક વસ્તી તીવ્ર ગતિએ ઘટી રહી છે અને હાલમાં તેની કુલ વસ્તી ૭૦૦ થી પણ ઓછી હોવાનો અંદાજ છે. ચોમાસું આ પક્ષીની પ્રજનન ઋતુ છે અને આ સમય દરમ્યાન આ પક્ષી સૌથી વધુ સંખ્યામાં અનુક્રમે ગુજરાત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં પણ આ પક્ષીઓ જોવા મળે છે. પ્રજનન ઋતુ સિવાયનાં તેના વસવાટ સ્થાન વિશે કોઈ ખાસ માહિતી હજી સુધી પ્રાપ્ત નથી, પરંતુ એક અંદાજ મુજબ તેઓ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભારતમાં વસતા હોવાનું અનુમાન છે. પ્રજનન ઋતુ સિવાયના સમય દરમ્યાન આ પક્ષીની હાજરીની નોંધ જવલ્લે જ જોવાં મળે છે તેમજ આ પક્ષીના સ્થળાંતર બાબતે પણ કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી. ગુજરાત રાજયમાં પ્રજનન ઋતુ દરમ્યાન આ પક્ષીની સૌથી વધુ વસ્તી અનુક્રમે કાળિયાર રાષ્ટ્રીય ઉધાન. વેળાવદર અને તેની આસપાસના વિસ્તારોમાં અને કરછમાં જોવા મળે છે. ગુજરાત વન વિભાગ દ્વારા નિયમિત રીતે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર ખાતે દર ચોમાસે આ પક્ષીની વસ્તીનો અંદાજ કાઢવામાં અઆવે છે.

ખડમોરની વસ્તીમાં થઈ રહેલા તીવ્ર ઘટાડાને અને ભવિષ્યની તેના સંરક્ષણની બાબતને ધ્યાનમાં રાખતા,પ્રજનન ઋતુ તેમજ તે સિવાયના સમયમાં આ પક્ષીનું સ્થળાંતર અને વસવાટના સ્થળોની તેની પસંદગી સમજવી અત્યંત અનિવાર્ય હતી. આથી સાસણ વન્યપ્રાણી વિભાગ દ્વારા ખડમોર પક્ષી પર સેટેલાઈટ ટેગ લગાડવા બાબતનો એક પ્રોજેકટ તૈયાર કરવામાં આવેલો, જેને ગુજરાત વન વિભાગ દ્વારા મંજૂરી મળતા, બસ્ટાર્ડ પક્ષીઓનાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વિશેષજ્ઞો સાથે આ બાબતની ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી તેમજ તેમનું માર્ગદર્શન લેવામાં આવેલ, આ પછી ખડમોર માટે સુયોગ્ય હોય તેવા સૂર્યશકિતથી ચાલતા બે પીટીટી (પ્લેટફોર્મ ટ્રાન્સમીટર ટર્મિનલ) ટેગ ગુજરાત વન વિભાગ દ્વારા લેવામાં આવ્યા.

ખડમોરને ટેગ કરવાનું કાર્ય ૧ થી ૫ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર ખાતે કરવામાં આવ્યું, જે દરમ્યાન પ્રથમ તો ચોકકસાઈ અને ઊંડાણપૂર્વકનો સર્વે કરવામાં આવ્યો, અને ત્યારબાદ એક નર અને એક માદા ખડમોર પક્ષીને અનુભવી અને કુશળ ટ્રેપરની મદદ વડે પકડીને સુરક્ષા અને યોગ્ય પદ્ઘતિનુ પાલન કરી નિયમો અનુસાર પીટીટી ટેગ લગાડવામાં આવ્યા. આ સાથે ગુજરાતવન વિભાગ દ્વારા પ્રથમવાર પક્ષીઓ પર આ પ્રકારના પીટીટી ટેગ લગાડવામાં આવ્યા છે. અહી એક બાબત નોંધવી રહી કે આ સાથે વિશ્વમાં પ્રથમવાર ખડમોર પક્ષીની માદા પર ટેગ લગાડવામાં સફળતા મળી છે. જેથી ખડમોર પક્ષીના સ્થળાંતર ઉપરાંત તેના પ્રજનન સાથે જોડાયેલી અનેક મહત્વની બાબતો અંગે પણ માહિતી મળી શકશે. આ ટેગિંગની મદદથી ખડમોરનાં સ્થળાંતર, વસવાટ સ્થાનની પસંદગી, પક્ષિનો વ્યાપ વિસ્તાર વગેરે જેવી બાબતોની માહિતી સરળતાથી મળી શકશે તેમજ આબંને ખડમોરની રોજની ગતિવિધિ બાબતે નિયમિત માહિતી મળતી રહેશે. અ તમામ માહિતી ખડમોરના ચોમાસા તેમજ તે સિવાયની ઋતુઓના વસવાટ સ્થળોના સંરક્ષણનાં આયોજનમાં અત્યંત મહત્વની સાબિત થશે.

આ તમામ કાર્ય શ્યામલ ટીકાદર, અગ્ર મુખ્ય વનસંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન ગુજરાત રાજય,  ડી. ટી. વસાવડા,મુખ્ય વનસંરક્ષક,જૂનાગઢ વન્ય જીવ વર્તુળ અને ડો. મોહન રામ,નાયબ વનસંરક્ષક,વન્યજીવ વિભાગ સાસણ-ગીરનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યે છે..બસ્ટાર્ડ પક્ષીના વિશેષજ્ઞ તરીકે ધ કોર્બેટ ફાઉન્ડેશનનાં દેવેશ ગઢવી અને કેદાર ગોરે તેમજ ભાવનગરના વન્યજીવ સંરક્ષક ડો ઇન્દ્ર ગઢવીનો પણ આ કાર્યમાં સમાવેશ કરવામાં આવેલ. મહેશ ત્રિવેદી મદદનીશ વનસંરક્ષક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને અહિયાંના સ્ટાફે પણ આ કાર્યમાં સહયોગ કરેલ. સમગ્ર કાર્ય દરમ્યાન વૈજ્ઞાનિક માહિતીનાં આધારે એકત્રીકરણ અને અન્ય જરૂરી બાબતો અંગેની કામગીરી સાસણ વન્યજીવ વિભાગના સંશોધન કાર્ય સાથે જોડાયેલા ડો. ધવલ મહેતા અને કરશનભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ હોવાનું નાયબ વન સંરક્ષક સાસણ ગીરની યાદીમાં જણાવાયુ છે.

(1:05 pm IST)