Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કચ્છના રાપરમાં ધોળે દિ' ૩.૭૪ લાખની ઘરફોડી ચોરી

ખેતરે ગયા અને ખેડુનું ઘર તૂટ્યું : એક લાખની રોકડ સહિત સોના-ચાંદીના દાગીનાની ચોરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : અત્યારે પૂર્વ અને પશ્ચિમ કચ્છ બન્ને પોલીસ જીલ્લાઓને તસ્કરો ધમરોળી રહ્યા છે. ચોરીના વધતાં બનાવો વચ્ચે હવે રાપરમાં દિન દહાડે પોણા ચાર લાખની ચોરીના બનાવે ચકચાર સર્જી છે.

રાપરના નવાપરા વિસ્તારમાં રહેતા સવજી નાનજી ભાટેસરા (પટેલ) ખેડૂત અને તેમના પત્ની વહેલી સવારે તેમની વાડીએ ગયા હતા ત્યાર બાદ તેમની પુત્રી પણ વાડીએ ભાથું લઈને ગઇ હતી. તે દરમ્યાન સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન તેમના ઘરના તાળા તોડી અજાણ્યા તસ્કરો એક લાખની રોકડ સહિત સોના ચાંદીના દાગીના સાથે કુલ ૩.૭૪ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ ઘટના બાદ હાંફળા ફાંફળા બનેલ ખેડૂત પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:08 pm IST)