Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

જીવનમુકત બનવું હોય તો માતા-પિતાની ભકિત અને સમાજ સેવા કરોઃ પૂજય ભાઇશ્રી

પોરબંદર હરિ મંદિરે અધિક-પુરૂષોતમ માસની ભાગવત કથાની પૂર્ણાહૂતિ

જુનાગઢ તા. ૧૭ :.. ભજન એટલે હરિકીર્તન, પરંતુ ભજનનો એક અર્થ સેવા પણ છે. સેવા માનવને સંસાર સાગરમાંથી પાર ઉતારનારો માર્ગ છે. પૂજય ડોંગરેજી મહારાજ પણ કહેતા હતા કે માતા-પિતાની ભકિત અને સમાજની સેવા કરનાર સંસારમાં રહેવ છતાં તેમાંથી મુકત થઇ જાય છે અર્થાત વ્યકિત જીવન મુકત બની જાય છે, એમ કથાકાર, પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ શુક્રવારે અધિક-પુરૂષોતમ માસની પુર્ણાહુતિ નિમતે શ્રીમદ ભાગવત કથા - જ્ઞાનયજ્ઞ અંતર્ગત શ્રી હરિ મંદિર પોરબંદર ખાતેથી જણાવ્યું હતું.

પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે નંદ અને યશોદાની ભકિત અનન્ય હતી અને માતા યશોદાને ઐશ્વર્ય જ્ઞાનની પ્રાપ્તી થઇ ગઇ હતી, પરંતુ ગોકુલમાં શ્રીકૃષ્ણનું સ્થૂળ શરીર હતું. આથી, હજી બાળ કનૈયાના ઉછેર માટે વાત્સલ્ય ભાવને પ્રગટ કર્યો અને તેમની બાળલીલાઓ દરમિયાન કંસ દ્વારા મોકલેલા અસુરોનો ઉધ્ધાર કર્યો. મથુરાએ ભગવાનનું  સૂક્ષ્મ શરીર છે. અહીં તેમણે કંસના દેહાભિમાનનો સંહાર કર્યો અને દેવકી વસુદેવને બંધનમાંથી મુકત કર્યા અને પોતાના જન્મ અગાઉથી માતા-પિતાને કંસ દ્વારા જે અનેકવિધ કષ્ટ સહન કરવા તે બદલ માફી પણ માંગી હતી.

પુરૂષોતમ માસના અંતિમ દિવસે સાંદીપની યજ્ઞશાળામાં પંચકુંડી વિષ્ણુયાગનું આયોજન થયેલ હતું. જેમાં મનોરથીઓ ઝૂમ એપ દ્વારા જોડાયા હતા અને એના પ્રતિનિધી તરીકે ગુરૂજનો અને ઋષિકુમારોએ વિધિ સંપન્ન કરી હતી. પૂજય ભાઇશ્રી પણ આ વિષ્ણુયાગમાં ઉપસ્થિત રહયા હતા અને યજ્ઞના અંતે આશીર્વચન આપ્યા હતાં.

હરિકથાના વિરામ પૂર્વે સાંદીપની વિદ્યા નિકેતન ગૌતમભાઇ ઓઝાએ આભાર દર્શન કરતા એક માસના પરમ મનોરથીઓ સંસ્કૃતિ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સાંદીપની પરિવાર સાથે જોડાયેલા સર્વે પરિવારજનો, ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા સર્વે તેમજ આ કથા ગંગાનો લાભ પહોંચાડનારા સહિત તમામ સહભાગી પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરતા જણાવ્યું કે આપણા સૌનું જીવન દિવ્ય બને તે માટે પૂજય ભાઇશ્રીની વ્યાસપીઠથી શ્રીહરિના આશીર્વાદ સૌને પ્રાપ્ત થયા.

(12:43 pm IST)