Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

દારૂ પ્રકરણમાં વંડાના પીએસઆઇ ઝાલા સસ્પેન્ડ

અમરેલી જીલ્લામાં વધુ ૩ વ્યાજખોરો સામે રાવ

અમરેલી તા.૧૭ : ગઇકાલે વંડા પોલીસ સ્ટેશન હેઠળના શેલણા ચોકડી પાસેથી પકડાયેલા ૩૦ લાખના વિદેશી દારૂ સહિતના મુદામાલ દારૂ પ્રકરણમાં વંડાના પીએસઆઇ જે.એમ.ઝાલાને એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જે વિસતારમાંથી આખો ટ્રક ભરી દારૂ આવવાનો હતો તેની સ્થાનિક પીએસઆઇને જાણ ન હતી એ તેમની બેદરકારી ગણી અને અમરેલી ક્રાઇમ બ્રાંચે શેલણા ચોકડી પાસેથી  પકડેલા ૩૦ લાખના દારૂ સહિતના મુદામાલના મામલે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા તેમની તાકિદની અસરથી સસ્પેન્ડ કરી આકરા પગલા લેવાતા ખળભળાટ મચ્યો છે.

અમરેલીના એસપીશ્રી નિર્લિપત રાય દ્વારા જિલ્લાના ૩૦૦ જેટલા વ્યાજખોરોનું લીસ્ટ તૈયાર કરાયા બાદ આજે વધુ ૩ વ્યાજખોરો સામે ૧૦મી પોલીસ ફરિયાદ દાખલ થતા વ્યાજખોરોમાં  ફફડાટ ફેલાયો છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે રાજુલામાં રહેતા ઇનુસભાઇ જમાલશા સૈયદે સાડા ત્રણેક વર્ષ પહેલા અશ્વિન અનકભાઇ ખુમાણ પાસેથી રૂ.૪ લાખ ટકાના વયાજે લીધા હતા. નકકી થયા મુજબ વ્યાજના ર લાખ આપ્યા હતા અને ટ્રક રૂ.૭ લાખમાં વહેંચીને કુલ રૂ.૯ લાખ આપેલ હતા. છતા પણ અશ્વિન અનકભાઇ, નિકુલ અનકભાઇ અને તેમના માણસે  ઉંચા વ્યાજની ગણતરી કરી અવાર નવાર ફોનમાં ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી મકાનનું કબજા વગરનું બાનાખત કરાવી ધમકી આપી વધુ ઉઘરાણી કરી ઇકો કાર જી.જે.૧૪.એ.એ.૯૬પ૦ની લઇ ગયાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

(1:27 pm IST)