Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કેશોદ પાલીકાની આગામી ચુંટણી માટે સક્રિય થતું સ્થાનીક રાજકારણ

ઉમેદવારોની ખેંચતાણ અને ફેરબદલ ભારે પ્રમાણમાં થવાની શકયતા

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા., ૧૮: આવતા મહિનાના અંત ભાગમાં  સ્થાનીક નગર પાલીકાની ચુંટણી માટે અત્યારથી જ સ્થાનીકનું ભુગર્ભ રાજકારણ સક્રિય બની ગયું છે. આ વખતે અપક્ષોનો તો બહુ મેળ જામે તેમ જણાતુ નથી. પરંતુ મુખ્ય ત્રણ રાજકીય પક્ષો વચ્ચે ટકકર થશે તે નક્કી વાત છે અને સંભવીત વરરાજાઓ આ હેતુ માટે સંબંધકર્તા જગ્યાઓ ઉપર હાજરી પુરાવતા પણ દેખાઇ રહયા છે.

સ્થાનીક નગર પાલીકાની ચુંટાયેલી બોડીની મુદત ગયા માસમાં જ પુરી થઇ ગયેલી છે અને ચુંટણી પણ ગયા માસમાં જ થવાની હતી પરંતુ કોરોનાના કારણે પણ ચુંટણી ૩ માસ માટે પાછી ઠેલાયેલી છે અને એ ત્રણ માસની મુદત આવતા મહિને અર્થાત ફેબ્રુઆરી માસમાં પુરી થઇ રહી છે. ત્યારે  આ ચુંટણી આવતા માસમાં અંત ભાગમાં થનાર છે અને કોઇ ફેરફાર ન થાય તો આ ચુંટણી ફેબ્રુઆરી માસની ર૧ અથવા ર૮ તારીખે યોજાશે.

સ્થાનીક નગરપાલીકાની ઉપરોકત ચુંટણીને લાગે વળગે છે ત્યાં સુધી અત્યારે ભાજપ (ર) કોંગ્રેસ અને (૩) આપ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારે તેવી પુરી શકયતા છે અને આ માટે ત્રણેએ વીગતવાર સર્વે અને સંભવીત ઉમેદવારોની ખાનગી યાદી શરૂ કરી દીધી છે.

સામાન્ય રીતે દર વખતે આ ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા રાખે છે અને બીજા કેટલાક અપક્ષો પણ ઝંપલાવે છે. પરંતુ અપક્ષોનો બહુ ગજ વાગતો નથી. લગભગ જાણકારો માને છે  આ વખતે અપક્ષોની જગ્યાએ આપ ઝંપલાવશે અને તેના કેટલાક ઉમેદવારો ચુંટાઇ આવે તે જોવા માટે આ ચુંટણીના પરીણામ સુધી રાહ જોવી પડશે. અને આ માટે આપ તરફથી તો જાહેર લોક સંપર્ક પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

નગર પાલીકાની આગામી ચુંટણી માટે ત્રણે પક્ષના સંભવીત ઉમેદવારો અત્યારથી  પોત-પોતાની રીતે ગોઠવણમાં પડી ગયા છે. કેટલાક માટે પક્ષની વફાદારી મહત્વની નથી. પરંતુ નગર પાલીકામાં ચુંટાવુ મહત્વનું છે. જેથી ભાજપ નહીતો કોંગ્રેસ અને કોંગ્રેસ નહી તો છેલ્લે આપ. જયાં મેળ પડે ત્યાં ગોઠવાઇ જવાના મતમાં છે. જેથી આવી ખેંચતાણ અને હેરાફેરી પણ સારા પ્રમાણમાં થશે અને છેલ્લે ઉમેદવારી પત્રો ભરાઇ ગયા પછી પરત ખંચવાના છેલ્લા સમય સુધી શામ-દામ-દંડ  બધુ અજમાવાય તેવી શકયતા નકારી શકાતી નથી. આ ચુંટણીમાં નાણાની લેતી-દેતીનો પણ મોટો ખેલ શકય છે. જેનો કેશોદની જનતાએ આજ સુધીના ઇતિહાસમાં કયારેય અનુભવ નહિ કર્યો હોય. સામાન્ય મતદાર પણ માને છે કે નગર પાલીકામાં જવુ એટલે લોકોની સેવા કરવા માટે નહી પરંતુ લોકોની સેવાના નામે રૂ. મેળવવા જ જવાનું છે અને આ માન્યતામાં કેટલાક નવા નિશાળીયાઓ નાહકના ચડી જશે. તે પણ એક નક્કર અને દિવા જેવી સ્પષ્ટ હકીકત છે. જે તે પાર્ટી તરફથી રૂ.-માણસો-વાહન  આપવામાં આવશે તેવી આશા ખરા સમયે ઠગારી નીવડતા આવા ઉમેદવારોની સ્થિતિ ખરાબ થાય છે તેવા અનુભવો પણ આ વખતે અગાઉની સરખામણીમાં વધારો થશે તેમા બે મત નથી.

(1:22 pm IST)