Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

જૂનાગઢમાં કરોડો રૂપિયાની છેતરપીંડી કરનાર પોસ્ટ ઓફિસના એજન્ટ ભરત પરમાર અને તુષાર પરમારની થરાદથી ધરપકડ

પિતા-પુત્ર પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરવાના બદલે ચાંઉ કરી ગયા હતા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૯ :. જૂનાગઢમાં પોસ્ટ ઓફિસના નામે લોકોને રોકાણ કરાવીને કરોડો રૂપિયાની છેતરપીંડી કરનાર પિતા ભરત પરમાર અને તેના પુત્ર તુષાર પરમારની જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે થરાદ ખાતેથી ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢમાં રહેતા અને પોસ્ટ ઓફિસના એજન્ટ તરીકે કામગીરી કરતા ભરત પરમાર અને તુષાર પરમારે ગ્રાહકોના પૈસા લઈને તે પૈસા પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત કાર્ય માટે ઉપયોગ કરી નાખતા તેની સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.

ત્યાર બાદ આ બન્ને પિતા-પુત્ર જૂનાગઢથી નાસી છૂટયા હતા. જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવારની સૂચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સૂચનાથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ સહિત જુદી જુદી પોલીસ ટીમે આ બન્નેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે થરાદ ખાતેથી બન્નેને ઝડપી લીધા છે. આજે સાંજે ૫ વાગ્યે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પત્રકાર પરિષદમાં પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી વિગતો જાહેર કરવામાં આવશે.

જૂનાગઢના પોસ્ટ વિભાગના એજન્ટ ભરત પરમાર અને તેના પુત્ર તુષાર પરમારે રોકાણકારોના નાણા પોસ્ટમાં જમા કરાવવાના બદલે ચાંઉ કરી જઈને કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હતી. આ અંગે રોકાણકારો દ્વારા પોલીસ ફરીયાદ બાદ પોસ્ટ ઓફિસના એજન્ટ અને તેનો પરિવાર જૂનાગઢ છોડીને નાસી છૂટયો હતો.

(3:15 pm IST)