Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ગોંડલની શાળાઓમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૯: કોરોના મહામારીનો કારણે અગિયાર મહીનાથી બંધ રહેલ શાળામાં ધોરણ ૬ થી ૮ નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની અંદાજે ૩૨ હજાર થી વધુ પ્રાથમિક શાળાઓમાં બાળકોના કલબલાટથી ગુંજી ઉઠયું છે. ત્યારે ગોંડલની કુમાર શાળા નંબર - ૫ (અ) ગોંડલના વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલવા સહમતી આપી રહ્યા છે અને શાળા તરફથી પણ માસ્ક, સેનિટાઈઝર, થર્મલ ગન, સ્વચ્છતા, વગેરે સલામતીના પગલાં લેવામાં આવ્યા છે. શાળા નંબર ૫(અ) ગોંડલના આચાર્ય અશોકભાઈ શેખડા તથા શાળાનો સમગ્ર સ્ટાફ દ્વારા કોઈ પણ બાળક કોરાનાથી સંક્રમિત ન થાય તે માટે બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપી સાવચેતીના પગલાં લેવા ખાસ અનુરોધ કર્યો છે જેમાં બાળકો અને શિક્ષકોની સલામતી માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. સરકારની SOP ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે ખાસ ગરીબ પરિવારના બાળકો કે જેમની પાસે ONLINE શિક્ષણના ઉપકરણો ઉપલબ્ધ નથી અને જેઓ ઘણા સમયથી શિક્ષણથી વંચિત રહ્યા છે ત્યારે શરૂ થઈ રહેલા પ્રત્યક્ષ શિક્ષણને વાલીઓમાં હરખની લાગણી અનુભવી છે અને શિક્ષકોએ આ પગલાંને આવકાર્યું છે.

ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલ તન્ના એજયુકેશન કેમ્પસ ખાતે સરકારી ગાઇડલાઇન મુજબ ધોરણ છ થી ધો.૮ના વર્ગો શરૂ થવા પામ્યા હતા શિક્ષણકાર્ય શરૂ થતા પહેલા સરસ્વતી વંદના કરવામાં આવી હતી આ તકે શાળાના વડા અને શિક્ષકો હાજર રહ્યા હતા.

(10:22 am IST)