Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

જુનાગઢમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો

ઉકળાટમાંથી રાહતનો અનુભવ થયો : હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે

જુનાગઢ,તા.૧૮ : હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે ત્યારે જુનાગઢમાં બપોર પછી અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડા પવનો ફૂંકાવાનું શરુ થયું હતું. જે પછી ધીરે ધીરે છાંટા આવવાના શરુ થયા અને અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ સાથે જ ગાજવીજ અને વીજળીના કડાકાભડાકા પણ થયા હતાં. શહેરભરમાં બે દિવસથી ઉકળાટ થતો હતો. જેને કારણે શહેરીજનો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યાં હતાં. જોકે, આજે બપોર પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઠંડા પવનો ફૂંકાવાના ચાલુ થયા હતાં.

            જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો હતો. નોંધનીય છે કે, હવામાન ખાતાએ આગામી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી હતી. ગીર-સોમનાથ, જુનાગઢ અને માણાવદર પંથકમાં આવતીકાલે વરસાદ પડ્યો હતો તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારના જણાવ્યાનુસાર, 'અરેબિયન સમુદ્ર પર વેલમાર્ક લો પ્રેશર એરિયા સક્રિય થયું છે. આ સાથેનું અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે ૩ દિવસ છૂટોછવાયો વરસાદ થશે જ્યારે પછીના ૨ દિવસ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર-સોમનાથ તેમજ અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે.

(9:20 pm IST)