Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

આસોમાં અષાઢી માહોલ સાથે કચ્છમાં કયાંક જોરદાર તો કયાંક ઝરમર વરસાદ : વિજ તાંડવથી ૨નો ભોગ

અબડાસા અઢી ઈંચ, રાપર, નખત્રાણા દોઢ ઈંચ, મુન્દ્રા, માંડવી, ભુજ, રાપર, ભચાઉ, અંજાર, લખપત, ગાંધીધામમાં જોરદાર ઝાપટાં, સતત વરસાદથી ખેતીને મોટું નુકસાન, પરંપરાગત પાકો સાથે બાગાયતી ખેતી ધોવાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૯:  હવામાન વિભાગની આગાહી સાથે જ કચ્છ જિલ્લામાં ફરી એકવાર બદલાયેલા મોસમના મિજાજે લોકોને આસો મહીનામાં અષાઢનો અનુભવ કરાવ્યો છે. છેલ્લા બે દિવસથી સખત ગરમી અને ઉકળાટ બાદ વિજળીના ભારે કડાકા ભડાકા સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં મેઘરાજાએ કયાંક ઝરમર, કયાંક જોરદાર વરસાદ સાથે પોતાની હાજરી પુરાવી હતી.

માતાના મઢ મધ્યે પણ વિજળીના કડાકા ભડાકા સાથે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જખૌ અબડાસા પંથકમાં અઢી ઈંચ, નખત્રાણા, રાપર પંથકમાં દોઢ ઈંચ અને ભચાઉ, ગાંધીધામ, અંજાર, માંડવી, ભુજ, લખપત તાલુકામાં કયાંક ઝાપટા અને કયાંક ઝરમર સ્વરુપે વરસાદ વરસ્યો હતો.

જોકે, સમગ્ર કચ્છ જિલ્લામાં વિજળીના કડાકા ભડાકાએ તાંડવ સજર્યુ હતું. ત્રણ જગ્યાએ વિજળી ત્રાટકી હતી. ભુજના ઢોરી અને રાપરના પલાંસવા ગામે ત્રાટકેલી વિજળીએ બે માનવ જિંદગીનો ભોગ લીધો હતો.

તો, લખપતના રવાપર ગામે વન વિભાગના ઘાસના ગોડાઉન ઉપર વિજળી ત્રાટકી હતી. કચ્છમાં સતત વરસાદને પગલે ખેતીને મોટું નુકસાન થયું છે. પરંપરાગત પાકો ઉપરાંત બાગાયતી ખેતી ધોવાઈ ગઈ છે.

(11:45 am IST)