Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ધ્રોલ બંધઃ આવેદન

અસામાજીક તત્વો, લુખ્ખાગીરી સામે કડક કાર્યવાહી કરવા ભરવાડ સમાજ અને આગેવાનોની માંગ

ધ્રોલ સામુહિક દુષ્કર્મનાં આરોપીઓની જાહેરમાં સરભરા કરો-ફાંસી આપોઃ ગુજસીકોક અંતર્ગત ગુન્હો દાખલ કરોઃ રેલી-આવેદન : ધ્રોલ :.. ધ્રોલમાં સામુહિક દુષ્કર્મની ઘટનાના વિરોધમાં આજે ધ્રોલ બંધ રહ્યુ છે. અને ભરવાડ - માલધારી સમાજ ધ્રોલ દ્વારા રેલી સાથે મામલતદારશ્રી મારફત રાજયપલશ્રી અને મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર પાઠવીને કડક કાર્યવાહીની માગણી કરી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આ આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢીઅને સરભરા કરવા માટે પોલીસને મંજૂરી આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ ન બને. અને આવા નરાધમોને કાયદાનું ભાન થાય. આ આરોપીઓ વિરૂધ્ધ ગુજસીકોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે. આ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જસીટ દાખલ થયા બાદ ડે ટુ ડે ચલાવીને ભોગ બનનારને ન્યાય આપવામાં આવે અને જાહેરમાં ફાંસી દેવામાં આવે. આ આરોપીઓ વિરૂધ્ધ જે અન્ય ગુનાઓ છે જેમની ચાર્જસીટ દાખલ થઇ ગયેલ હોય તે ગુનાઓની પણ તાત્કાલીક નિર્ણય લઇ યોગ્ય સજા કરવામાં આવે. આ આરોપીઓને કયારેય કોઇપણ પ્રકારનાં જામીન આપવામાં ન આવે તેમજ અગાઉના ગુનાઓમાં આપવામાં આવેલ જામીન તાત્કાલીક રદ કરવામાં આવે. તેવી માંગણી કરાઇ છે. (અહેવાલ : હસમુખરાય કંસારા, તસ્વીર : અમિત કંસારા -ધ્રોલ)

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ, તા., ૧૯: ધ્રોલ ખાતે દર્શનાર્થે જતા ભરવાડ દંપતીને આંતરીને યુવતી પર આચરેલી સામુહીક દુષ્કર્મનો બનાવ અંગે સમગ્ર તાલુકામાં રોષની લાગણી ફેલાયેલ છે.

ત્યારે આવા ગુન્હેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે ભરવાડ સમાજના આગેવાનોએ શહેરના તમામ નાના-મોટા વેપારીઓને બંધ પાળવા અનુરોધ કરેલ હતો અને ગામ આજે બંધ છે. ધ્રોલ શહેરના આજે તમામ નાના મોટા વેપારીઓએ ચા-પાનના લારી ગલ્લાવાળાઓ સહીત તમામે તમામ લોકોએ આજ રોજ રોષપુર્ણ બંધ પાળેલ છે અને આ દુષ્કર્મ પ્રકરણ અંગે પોલીસ તંત્ર તથા સરકાર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ધ્રોલ શહેર તથા તાલુકામાં ચાલતી અસામાજીક, લુખ્ખાગીરી તથા ગેરકાયદેસરની પ્રવૃતીઓ જે ખુલ્લેઆમ ચાલી રહેલ છે તે અંગે પણ તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.આ દુષ્કર્મના બનાવ અંગે ભરવાડ સમાજ તથા અગ્રણીઓ દ્વારા આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે.

(1:38 pm IST)