Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જામનગર-ખંભાળીયા હાઇવે ઉપર અકસ્માતમાં સાળા-બનેવીના પત્નીઓના મોતથી અરેરાટી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯ :.. જામનગર - ખંભાળીયા હાઇવે ઉપર સર્જાયેલ અકસ્માતમાં સાળા-બનેવીના પત્નીઓના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

દ્વારકા જિલ્લાના રણજીતપર ગામમાં રહેતાં નારણભાઇ પરબતભાઇ કરંગીયા અને તેનો પુત્ર સુમિત તેમજ પત્ની જસુબેન કે જેઓ જામનગરમાં રહેતા પોતાના સંબંધી દેશુરભાઇના મકાનના વાસ્તુ શાંતિના પ્રસંગમાં સહભાગી બનવા માટે પોતાની કારમાં જામનગર તરફ આવવા માટે નીકળ્યા હતાં.

જેઓના સાળા કલ્યાણપુર તાલુકાના આસોટા ગામમાં રહેતાં હોવાથી આસોટા ગામે ગયા હતા અને વહેલી સવારે તેમના સાળા હેમંતભાઇ રણમલભાઇ તથા તેમના પત્ની પાબીબેન હેમતભાઇને પણ કારમાં બેસાડયા હતા અને જામનગર તરફ આવવા માટે નીકળ્યાં હતાં. જે કાર જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ ઉપર ખટિયા ગામના પાટિયા પાસે પહોંચતા અકસ્માતે કાર ચાલક નારણભાઇએ કાબુ ગૂમાવી  દીધો હતો અને રેલિંગ તોડીને ચાલીસ ફુટ પુલપરથી નીચે ખાબકી હતી જે ગોઝારા અકસ્માતમાં કારની અંદર બેઠેલી બન્ને મહિલાઓ જશુબેન તેમજ પાલીબેન બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજયાં હતા. જયારે સાળા-બનેવી નારણભાઇ તેમજ હેમતભાઇ ઉપરાંત નારણભાઇના પુત્ર સુમિત કે જે ત્રણે'યને નાની-મોટી ઇજા થઇ હોવાથી તુરંત જ ૧૦૮ મારફતે સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં પહોંચાડયા હતા.

આ અકસ્માતના બનાવની જાણ થતા સૌ પ્રથમ મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બન્ને મૃતદેહને કારમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવ્યા હતા. જયારે મેઘપર પોલીસની ટુકડી જીજી હોસ્પિટલમાં દોડી ગઇ હતી અને અકસ્માતના બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

(4:04 pm IST)