Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

વાંકાનેરમાં રાજય સરકાર દ્વારા ૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ જીમ સેન્ટરનું કાલે લોકાર્પણ

મોરબી તા.૧૯ : જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા વાકાંનેરમાં ૨૨.૫૦ લાખ રૂપિયાના ખર્ચે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દ્વારા દરેક તાલુકા સ્તરે ફીટનેશના સાધનો સભર સ્વાસ્થ્ય કેન્દ્ર શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તંદુરસ્ત અને વ્યસન મુકત સમાજના નિર્માણ માટે રાજય સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાકાંનેર મુકામે તાલુકા સ્તરનુ ફીટનેશ જીમ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે.  આ જીમ સેન્ટરનું ઉદ્દદ્યાટન આગામી તા. ૨૦મીએ બુધવારના રોજ સાંજે ૪ કલાકે વાકાંનેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલના હસ્તે થશે. રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ૪૦ જેટલા તાલુકાઓમાં જીમ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત મોરબી જિલ્લાના વાકાંનેર મુકામે પણ જીમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. આ જીમનો લાભ તમામ નાગરિકો લઇ શકશે. જીમની સુવિધાઓનો લાભ લેવા માટે એક મહિનાની ૫૦ રૂપિયા ફી હશે જયારે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ૨૫ ફી રહેશે તેમ જિલ્લા રમત-ગમત અધિકારી (ઇન્ચાર્જ) હિરલ વ્યાસની યાદીમાં જણાવાયું છે.

(12:44 pm IST)