Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

લીલીયા તાલુકાના ૮ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તાઃ ૧૯:  લીલીયા તાલુકાના અંતાળીયા ખાતે લીલીયા તાલુકાના ૮ ગામોના કિસાનોને દિવસે વીજળી આપતી મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજયકક્ષાના મંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે કરાયો હતો.

આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના એ ખરા અર્થમાં ખેડૂતો માટે વિજક્રાન્તિ લાવનાર ઐતિહાસિક યોજના છે. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ૮ ગામોને આ યોજનાનો આજથી લાભ મળશે. આ યોજનાના અમલથી ખેડૂતોને દિવસે વીજળી મળવાથી અનેક ફાયદાઓ થશે. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતોના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે. ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપતી જયોતિર્ગ્રામ યોજના હોય કે પછી ગામડાઓના રોડરસ્તા, આરોગ્ય કે શિક્ષણની વ્યવસ્થા. રાજય સરકારે હરહંમેશ ખેડૂતો અને ગામડાઓના હિતમાં નિર્ણયો લીધા છે.

આ પ્રસંગે સાંસદ   નારણભાઈ કાછડીયાએ ઉપસ્થિત ખેડૂતમિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે સરકાર ખેડુતોની રજૂઆતો સાંભળી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ મેળવવા પ્રયત્નો કરે છે. સાંસદ એ કિસાન સૂર્યોદય યોજનાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત સૌ ખેડૂતમિત્રોને શુભેછાઓ પાઠવી હતી.

આ ક્રાયક્રમમાં પૂર્વ મંત્રી   વી. વી. વઘાસીયા, અમર ડેરીના ચેરમેન   અશ્વિનભાઈ સાવલીયા, અગ્રણી   કમલેશભાઈ કાનાણી તથા અધિક્ષક ઈજનેર   પી. સી. કાલરીયા સહિતના જેટકોના અને પીજીવીસીએલના અધિકારીકર્મચારી ઓ સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામા કોવિડ૧૯ની ગાઇડલાઇન અનુસરીને ખેડુતભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:53 pm IST)