Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ધારી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ચેનલ મોનીટરીંગ રૂમની સમીક્ષા

અમરેલી,તા.૨૦ : ધારી વિધાનસભા પેટા ચૂંટણીના ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રામજી કેથાવંતુએ આજે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી દ્વારા શરૂ કરવામાં આવેલા મીડિયા ચેનલ મોનીટરીંગ રૂમની મુલાકાત લીધી હતી.

ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રામજી કેથાવંતુએ ટેલિવિઝન ચેનલમાં આવતા સમાચારોના મોનીટરીંગ અંગેના કામની સમીક્ષા કરી હતી તેમજ રજીસ્ટરની ચકાસણી કરી હતી. જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક  એસ. બી. જોષીપુરાએ મોનીટરીંગ રૂમ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. ખર્ચ ઓબ્ઝર્વરશ્રી દ્વારા મોનીટરીંગ કરતા કર્મીઓને માર્ગદર્શન પૂરું પાડી સૂચનો આપવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી ચૂંટણીમાં ઉમેદવારો તરફથી કરવામાં આવતી જાહેરાતો કે રાજકીય સમાચારો ઉમેદવારની તરફેણ કે વિરોધમાં છે કે કેમ અને જેનો સીધો લાભ જે તે ઉમેદવારને થાય છે આવા સંજોગોમાં આવી જાહેરાત કે સમાચારને પેઈડ ન્યુઝ તરીકે ગણી તેનો ખર્ચ જે તે પક્ષ કે ઉમેદવારના ખર્ચમાં સામેલ કરવામાં આવે છે. આ સમગ્ર બાબતો ઉપર નિયંત્રણ અને દેખરેખ રાખવા જિલ્લા કક્ષાએ આ સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિના અધ્યક્ષ જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી આયુષ ઓક છે અને સભ્ય સચિવ  તરીકે નાયબ માહિતી નિયામક  એસ.બી. જોશીપુરા કાર્ય કરે છે.

આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.વી. વિઠલાણી, માહિતી વિભાગના જી.વી.દેવાણી, સુમિત ગોહિલ, એમ. એમ. ધડુક અને બી.ડી. પાથર ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)