Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ભુજ ખાનગી પાર્ટી પ્લોટમાં ઉતરપ્રદેશના માળીની પાવડાના હાથા મારીને હત્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૦ : ભુજના ખાનગી પાર્ટી પ્લોટમાં ઉત્તર પ્રદેશના મુળ વતની માળીની પાવડાના હાથા મારીને હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે.

શહેરની રાવલવાડી નજીક શિવમ્ પાર્ટી પ્લોટના માળીની પાવડાના હાથા વડે પ્રહારો કરાઇ હત્યા કરાઇ છે. મરનાર ૪૦ વર્ષિય યુવક શિવો માતાપ્રસાદ દ્વિવેદી મુળ ઉત્તરપ્રદેશના ફતેપુરનો વખતી હતો. છેલ્લા ત્રણેક વર્ષથ તે પાર્ટીપ્લોટ અને આસપાસમાં માળી કામ કરતો હતો અને પાર્ટી પ્લોટની ઓરડીમાં એકલો રહેતો હતો.

ભુજ એ ડિવીઝન પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.બારોટે જણાવ્યું કે સવારે પોણા ૮ના અરસામાં અત્યંત ગંભીર અને ઘાયલ અવસ્થામાં આસપાસના લોકોએ તેને પાર્ટી પ્લોટની બહાર નીકળવાનો પ્રયાસ કરતાં જોયો હતો. જેથી લોકોએ તરત પાર્ટી પ્લોટના માલિકને જાણ કરી હતી. પાર્ટી પ્લોટના માલિક લોકોને તેને હોસ્પિટલે ખસેડવા વિનંતી કરી ત્યારે આવવા રવાના થયા હતા. જો કે, શિવાને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજયું હતું. બારોટે ઉમેર્યું કે તેના બંને પગ રીતસર ભાંગી નખાયા હતા અને છાતીમાં પણ મુઢ માર મરાયો હોવાની શકયતા છે. પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ માટે લાશને જી.કે. જનરલ હોસ્પિટલ મોકલી આપી છે. શિવાના હત્યારાઓને કોઇએ નજરોનજર જોયા નથી. તેની હત્યા કોણે કરી અને શા માટે તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

(3:27 pm IST)