Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

માળિયા તાલુકાના ગામોમાં ગુલાબી ઇયળનો આતંક : ખેડૂતોએ માલઢોરને ચરવા ખેતરો ખુલ્લા મુકયા

 (પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૦:માળિયા તાલુકાના સુલતાનપુર, માંણાબા, ખાખરેચી, સુલતાનપુર, કુંભારીયા, ચીખલી, ઘાટીલા, વેજલપર સહિતના ગામોમાં પણ ગુલાબી ઈયળે કોહરામ મચાવ્યો છે માળિયા તાલુકાના અનેક ગામોમાં ગુલાબી ઈયળ જોવા મળી રહી છે કપાસના પાક માટે ગુલાબી ઈયળ કેન્સરના રોગ સમાન છે કપાસના પાકને ગુલાબી ઈયળ બરબાદ કરી નાખે છે ત્યારે માળિયાના સુલતાનપુર ગામના ખેડૂત રતિલાલ ભાઈ જણાવે છે કે તેને ૨૮ વીઘામાં કપાસ વાવેતર કર્યું હતું જોકે ગુલાબી ઈયળે પાક બરબાદ કરી નાખ્યો છે તેને ૨ લાખ જેટલો વાવેતરનો ખર્ચ કર્યો હતો અને દર વર્ષે ૫૦૦ મણ જેટલો કપાસ થાય છે જોકે ૫ લાખની ઉપજ ગુલાબી ઈયળો ખાઈ ગઈ છે.

હવે ખેડૂતોનું પેટ ભરાવવાનું નથી ત્યારે ખેતર ઢોરને ચરવા ખુલ્લા મૂકી દીધા છે તેમ ભારે હૃદયે જણાવ્યું હતું જયારે સુલતાનપુરના સરપંચ ભાવેશભાઈ વિડજા જણાવે છે કે માળિયા તાલુકામાં હજારો એકર જમીનમાં વાવેલો કપાસનો પાક નિષ્ફળ ગયો છે જેથી ખેડૂતો પોતાના ખેતરમાં ઢોરને ચરવા ખુલ્લા મૂકી રહયા છે ઓણ સાલ કુદરતે કહેર મચાવ્યો છે તો હમેશની જેમ સરકારે પણ ખેડૂતનો હાથ મૂકી દીધો છે એટલે ખેડૂત લાચાર સ્થિતિમાં મુકાયો છે જેથી સરકાર તાકીદે પાકવીમો ચુકવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.

(11:09 am IST)