Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

જૂનાગઢમાં કોરોના કેસનો વધારો, જિલ્લામાં કુલ કેસ ૪૦,૦૦૦ની નજીક

ટેસ્ટ અને ધનવંતરી રથ-સ્ટાફ વધારાયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૦ :. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના કેસનો વધારો થતા ચિંતાના વાદળો ઘેરાય ગયા છે. જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૪૦૦૦ની નજીક પહોંચી ગઈ છે.

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે ૩૦ કેસનો વધારો થયો હતો. જેમાં ૨૧ કેસ જૂનાગઢ શહેરના છે. તમામ તાલુકાના કુલ કેસ કરતા ૨૦૦ ટકા કેસ માત્ર જૂનાગઢમાં નોંધાયા છે.

ગુરૂવારે જૂનાગઢમાં ૨૧ કેસ, માળીયા-૪, કેશોદ-૨, જૂનાગઢ ગ્રામ્ય, મેંદરડા અને વિસાવદર તાલુકામાં ૧ - ૧ કેસ નોંધાયા હતા.

જ્યારે ૨૫ દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવેલ. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં ૮૩ કન્ટેઈનમેન્ટ ઝોનમાં ૬૮૦ ઘરના ૨,૮૭૧ લોકોનો સમાવેશ થાય છે.

જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા વધીને ૩૯૯૬ થયેલ છે.

દરમ્યાન મ્યુનિ. કમિશ્નર શ્રી તુષાર સુમેરાએ સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જૂનાગઢ શહેરમાં કોરોનાના વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યકત કરીને જણાવેલ કે શહેરના ટેસ્ટ પ્રથમથી વધુમાં વધુ કરવામાં આવી રહ્યા છે તેમ છતા ટેસ્ટની ગતિ વધારવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવેલ કે, જૂનાગઢમાં ધનવંતરી રથનું ભ્રમણ વધારવામાં આવેલ છે. તેમજ આરોગ્ય સ્ટાફ વધારી ભવનાથમાં રોપ-વે સાઈટ નજીક ટેસ્ટ માટે કેમ્પ કરવાનુ આયોજન હાથ ધરવામાં આવેલ છે.

(1:02 pm IST)