Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લુ

૧૫ જૂન સુધી ૨૦ હજાર પ્રવાસીઓ મુલાકાત લેશે : વિદેશી પક્ષીઓનું આગમન આકર્ષણનું કેન્દ્ર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૭ : કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે કયાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણ ની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે.

અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જયારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. આજથી ૧૫ જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.

ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા ૧૬,૦૦૦ થી ૧૮,૦૦૦થી વધુ પ્રવાસી લોકો આવેલ હતા. જેમાં ૩૦૦૦ જેટલા વિદેશી મુલાકાતી પણ આવેલ શિયાળામાં આ રણની અંદર બહાર થી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. ગત વર્ષે ૨૫થી ૩૦ લાખ જેટલી આવક આ વિભાગ ને થયેલ છે અને દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. સાથે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં છેલ્લે થયેલ ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા ૬૦૮૨ જેટલી નોંધાયેલ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે સમગ્ર રાજયમાં સારો વરસાદ પડેલ છે.

જેના કારણે રણની અંદર હજુ પણ પાણી ભરાયા છે. જેથી પ્રવાસીઓ માટે રણની અંદર જવું મુશ્કેલ છે. ત્યારે હજી રણની અંદર રહેલ પાણીને ઓસરતા લગભગ ૨૦ દિવસ જેટલો સમય લાગે તેમ છે. અને આ વખતે સારો વરસાદ થયેલ હોવાથી વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તેવી શકયતા દેખાઈ રહી છે. આ પક્ષીઓ હજારો કિલોમીટર દૂર થી અહીં આવે છે. તેનું કારણ અહીયાનું વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી રહે છે. અભયારણ્ય દ્વારા પ્રવાસીને અપીલ પણ કરવામાં આવી છે આ વખતે કોરોનાના કારણે લોકો સરકારની ગાઈડ લાઇન મુજબ અને માસ્ક,સોસીયલ ડિસ્ટન્સ, અને સેનેટાઈઝરનો ઉપયોગ કરે તેવું જણાવવામાં આવ્યું છે.

ઘુડખર અભ્યારણ કાલથી પર્યટકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે ત્યારે પહેલા દિવસે જ મોટી સંખ્યામાં અભ્યારણમાં પર્યટકો રણનો નજારો જોવા ઉમટી પડ્યા હતા જેમાં પહેલા દિવસે મોટી સંખ્યામાં ઘુડખર અભયારણ્ય મુલાકાતે પહોંચ્યા હતા અને ખાસ આ અભ્યારણ કાલથી પર્યટકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે ત્યારે કોરોના ના કપરા કાળમાં ઘુડખર અભ્યારણ ની મુલાકાતે ૨૦ હજાર પર્યટકો આવે તેવું હાલ થી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કયારે રણ માં આવતા અવનવા પક્ષીઓ અને વિદેશી પક્ષીઓ ઘુડખર અભયારણ્યનું આકર્ષણનું કેન્દ્ર છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જે પાટડી દસાડા ખારાઘોડા વિસ્તારમાં આવેલ રણમાં કાલે ઘુડખર અભ્યારણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને પર્યટકો આ અભયારણ્યની મુલાકાત એ દર વર્ષે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને વિદેશી પર્યટકો આ ઘુડખર અભ્યારણ ની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે દર વર્ષે ૩૦૦૦ વિદેશી લોકો રણની મુલાકાત આ અભ્યારણ ખુલ્લુ રહેવાના સમયગાળા દરમિયાન લે છે ત્યારે આ અભ્યારણ ખાસ ચોમાસાના વિરામ બાદ અને શિયાળાની ઠંડીની શરૂઆત પહેલા દર વર્ષે ખુલ્લું મૂકવામાં આવ્યા છે અને આઠ માસ સુધી આ અભ્યારણ ખુલ્લુ રાખવામાં આવે છે.

જેમાં દર વર્ષે હજારો પર્યટકો ઘુડખર અભ્યારણ અંતર્ગત રણ ની મુલાકાતે આવે છે જેમાં વિદેશી પર્યટકો માટે આ ઘુડખર અભ્યારણ આકર્ષણનું કેન્દ્ર છે જેમાં ખાસ કરીને શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ અભ્યારણમાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે અને તે આ ઝાલાવાડના મહેમાન બને છે તેને જોવા માટે ઝાલાવાડ વાસી ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો રણ ની મુલાકાતે આવે છે.

શિયાળાની ઋતુમાં આ રણ અભ્યારણ અંતર્ગત વિદેશી પક્ષીઓ ઝાલાવાડમાં આવે છે અને રણમાં જે સરોવર ભરાય છે તેમાં ઉનાળાની સીઝન સુધી રહે છે ત્યારબાદ વિદેશમાં ફરે છે ત્યારે ઘુડખર અભ્યારણમાં આકર્ષણનું કેન્દ્ર વિદેશી પક્ષીઓ બની રહ્યા છે.

(11:58 am IST)